મોરારીબાપુ રામ કથા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમની કથા જ્યાં પણ હોય શ્રોતા ગણ કથા મંડપમાં ઉભરાતા હોય છે. કારણ કે તેમના દષ્ટાંતો અને તેમની સમજાવાની રીત એટલી સરળ હોય છે કે સૌ કોઈને તે ગમે છે. દરેક માણસના મગજમાં તે સારી રીતે ઉતરી જાય છે. એવું જ એક ઉદાહરણ તેમણે રામ કથા દરમિયાન કહેલું. જેમાં મોરારી બાપુએ ઉંડી સમજ અને જ્ઞાન આપવાની કોશિશ કરી છે. તો ચાલો જાણીએ ઉદાહરણ વિશે.
એક વખતની વાત છે. જેમાં ગામડામાં મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગામમાં એક ઘરડા દાદા રહેતા હતા. તેમની તબિયત ઉંમરના કારણે ખરાબ રહેતી હતી. તેમને લાગ્યું કે હવે લાંબુ જીવી શકાય તેમ નથી. એક દિવસ વિચાર આવ્યો કે, હું ગામના પંચોને બોલાવીને (પંચ એટલે પહેલાના સમયમાં ગામના ગંભીર પ્રશ્ન કે કોઈ વાતનો ઉકેલ ન આવતો હોય તો પંચને બોલાવામાં આવતું હતું. પંચમાં કેટલાક પ્રતિષ્ઠ અને બુદ્ધિશાળી વ્યક્તિ આ નિર્ણય લેતા હોય) કંઇક લખાણ કરાવી લઈશ, જેથી મારા મૃત્યુ પછી ત્રણેય દિકરા મિલકત માટે ઝઘડે નહીં. અને આ લખાણના કારણે ત્રણેય દિકરા વચ્ચે પ્રેમ પણ જળવાઈ રહે. આમ વિચાર કરીને ઘરડાં દાદાએ પંચોની સામે દરખાસ્ત મૂકી લખાણ કરાવ્યું.
પંચના માણસોએ દાદાની વાતને માન્ય ગણીને જે કંઈ મિલકત હતી, તેનું લખાણ કરવાની સહમતિ આપી. એક દિવસ પંચ ભેગું થયું અને દાદાને બોલાવ્યા પછી મિલકતનું લખાણ કરવાનું કામ હાથ ધર્યું. દાદાએ મિલકતની ગણતરી શરૂ કરી અને કહ્યું કે, મારી પાસે મિલકતના નામે 17 ઉંટ છે. અને આ ઉંટ મારે મિલકત રૂપે દિકરામાં વહેંચવાના છે. પરંતુ મારી કેટલીક શરતો છે. તે મુજબ ભાઈઓમાં વહેંચી દેવા. પંચોએ વાત માન્ય રાખી, કહ્યું બોલો શું શરત છે તમારી એ મુજબ લખાણ કરવાનું શરૂ કરીએ. આ વાત સાંભળી દાદાએ થોડું વિચાર્યું અને બોલ્યા…
મારે સૌથી નાનો દિકરો છે તેને 17માંથી અડધા ઉંટ આપી દોજો, વચોટ દિકરો છે તેને 17 ઉંટમાંથી છઠ્ઠા ભાગના ઉંટ આપી દેવા, અને સૌથી મોટા દિકરાને 17 ઉંટમાંથી નવમા ભાગના ઉંટ આપવા.
હવે તમને જણાવ્યું તે પ્રમાણે ઉંટની વહેંચણી કરી દેજો. આજે મારા માથેથી મોટો ભાર હળવો થઈ ગયો. આ ભાર તમને સાચવી રાખવા માટે આપું છું. આ પ્રમાણે લખાણ કરી અંગૂઠાના સિક્કા મારીને દાદા ત્યાંથી ઘર તરફ જવા નીકળ્યા અને પંચોએ આ કાગળ સાચવીને મૂકી દીધો.
દિવસો ધીમેધીમે પસાર થવા લાગ્યા અને એક દિવસ દાદા ગુજરી ગયા. ગામમાં સમજદાર માણસ ગુજરી જવાના કારણે દુખ પ્રસરી ગયું હતું. દાદાની બારમાની વિધિ પતિ ગઇ એટલે એક સારો દિવસ જોઈ પંચે બધાને ભેગા કર્યા અને કહ્યું કે, દાદા મરતાં પહેલા એક મિલકત લખી ગયા છે. તો ત્રણેય ભાઈઓ સમજદાર હોવાથી કહ્યું કે પિતાજીની જેમ ઇચ્છા હતી અને પંચના લખાણને અમે માન્ય રાખીશું. તે પ્રમાણે જ મિલકત વહેંચીશું.
ત્રણેય ભાઈઓને સાથે બેસાડી તે લખાણ વાળો કાગળ બતાવ્યો. દાદાએ ત્રણેય ભાઈઓને આ રીતે મિલકત વહેંચી હતી, 17 ઉંટની વહેંચણીના નિયમો બનાવ્યા છે. 17 ઉંટના ભાગ આ રીતે પાડ્યા હતા. સૌથી નાના ભાઈને અડધા ભાગના ઉંટ મળવા જોઈએ, વચલાને છઠ્ઠા ભાગના ઉંટ મળવા જોઈએ, સૌથી મોટા ભાઈને નવમાં ભાગના ઉંટ આપવામાં આવે. આ વાત સાંભળી ત્રણેય ભાઈઓ કહ્યું ઠિક છે, જેમ લખ્યું છે એવી રીતે ઉંટ અમને વહેંચી આપો. જે રીતે પિતાજીએ લખાણ કરાવ્યું છે તે રીતે જ ભાગ પાડીશું. જેથી તેમની આત્માને દુખ ન થાય.
પંચો ઉંટના ભાગ પાડવા માટે તૈયાર થઈ ગયા. એક પંચે ગણતરી શરૂ કરી આપણે સૌથી નાના ભાઇથી શરૂઆત કરીએ, લખાણના અડધા ઉંટ આપી દેવા, પરંતુ ઉંટ તો 17 છે કેવી રીતે અડધા કરવા? 16 હોય તો અડધા કરાય 17 ઉંટના કેવી રીતે અડધા કરવા. વચોટ ભાગ માટે ત્રીજા ભાગના ઉંટ તેને આપવાના હતા તો 17નો ત્રીજો ભાગ પણ કેમ કરવો અને અંતે સૌથી મોટા ભાઈના નવમાં ભાગના ઉંટ પણ કેવી રીતે કરવા. પંચ અને ગામના લોકો બધા ગુંચવણમાં પડ્યા. દાદા તો બહુ મોટી ગુંચવણમાં મૂકીને ચાલ્યા ગયા છે. જો લખાણ વખતે નક્કી કર્યું હોત તો સારું હતું.
સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી હતો. પંચે ગામ ભેગું કર્યું, પણ ગામનું કોઈ વ્યક્તિ ઉકેલ લાવી શક્યું નહીં. તેજ સમયે એક મહાત્મા ઉંટ પર ફરતા ફરતા ગામ પાસે આવ્યા અને ગામના પાદરમાં આવેલા મંદિરમાં બેઠા હતા. તે વખતે એક ભાઈ તેમને જોઈ ગયા અને આ સમસ્યાનો હલ નીકળશે એમ વિચારી દૂધનો લોટો લઈ તેમની પાસે ગયા. તે દૂધ મહાત્માને આપી પીવા માટે કહ્યું સાથે ગામમાં જે મુશ્કેલી આવી હતી તેના વિશે પણ જાણ કરી. કે અમારા ગામમાં એક બુજુર્ગ માણસ ગુજરી ગયા છે તો તેમણે પંચ પાસે કાગળ લખાવેલો અને તેમાં અડધો ભાગ, ત્રીજો ભાગ, અને નવમાં ભાગમાં ઉંટ વહેંચવી વાત છે. હવે આ વાતનો કોઈ ઉપાય હોય તો જણાવો મહાત્મા.
મહાત્મા આ સાંભળી બોલ્યા, આપણે તે જગ્યા પર જઈએ અને સમસ્યાનો ઉકેલ લાવીએ. પેલા ભાઈને થોડી મહાત્મા પ્રત્યે આશા જાગી અને તે ઉત્સાહ સાથે ત્યાં પહોંચ્યા. મહાત્મા પણ ઉંટ ઉપર બેસીને જ્યાં લોકો ભેગા થયા હતા ત્યાં પહોંચ્યા અને પંચે લખેલો કાગળ વાંચવા લાગ્યા.
કાગળ વંચાઈ ગયો મહાત્માએ કહ્યું મારું ઉંટ પણ પેલા 17 ઉંટની સાથે વાડામાં મોકલી દો. એટલે 18 ઉંટ થઈ જાય. હવે વહેંચણી બરાબર થઈ જશે. મહાત્માએ ભાગ પાડવાનું શરૂ કર્યું. નાના ભાઈને અડધા ઉંટ આપવાના છે, તો નાના ભાઈને 18 ઉંટમાંથી 9 ઉંટ આપો. પછી આવ્યો વચલા ભાઇનો વારો ત્રીજા ભાગના ઉંટ વચલા ભાઈને આપવાના તો 18 ઉંટનો ત્રીજો ભાગ એટલે 6 વચોટ ભાઈને આપો.
હવે છેલ્લે બચ્યો મોટા ભાઈનો ભાગ નવમા ભાગના ઉંટ આપવાના છે એટલે 18 ઉંટના બરાબર 2 ઉંટ મોટાભાઈને આપી દો. કુલ ભાગ મુજબ નાના ભાઈને 9 ઉંટ, વચલા ભાઈને 6 ઉંટ અને મોટા ભાઈને 2 ઉંટ મળ્યા. 9+6+2= 17. ગામ વાળા કહેવા લાગ્યા કે હજુ એક ઉંટ બાકી રહ્યું. મહાત્મા બોલ્યા, એ એક ઉંટ તો મારું હતું. મેં મારું ઘરનું ઉંટ ઉમેર્યું હતું. હવે તે ઉંટ મને આપી દો. આ રીતે શાંતિથી મહાત્માએ 17 ઉંટના સરખા ભાગ પાડી આપ્યા અને ગામના લોકો જોતા રહી ગયા.
આ વાતમાં મોરારી બાપુ એ સમજાવા માગે છે કે માત્ર ભણતર કામ નથી આવતું હોતું જીવનમાં, ભણતરની સાથે સાથે ગણતર પણ હોવું જરૂરી છે. આગળ કહે છે કે આપણે આપણા ઘરનું ઉંટ નાખ્યું ત્યારે સમાજની સમસ્યાનો હલ આવ્યો. એવી જ રીતે આપની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે આપણું ઉંટ નાખવું પડે. સાચી વાત ને…..! વાત એમ છે કે કોઈ પણ વાતનો ઉકેલ ન આવે તો ભણતરને બાજુ પર મૂકી ગણતરનો ઉપયોગ કરવો જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.