ચહેરાની ત્વચાને હંમેશાં થોડીક વધારે દેખરેખની જરૂર હોય છે. જે રીતે યોગ્ય મોઇશ્ચરાઇઝરથી સ્કીન ચમકતી રહે છે. તેવી જ રીતે ત્વચામાં ચમક માટે તેનું અંદરથી સાફ હોવું જરૂરી છે. કારણ કે ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાને બેજાન બનાવી દે છે. જેનાથી ત્વચા શુષ્ક પણ દેખાવા લાગે છે. ત્વચાની ચમક પાછી લાવવી છે તો પાર્લરના ચક્કર લગાવવાની જરૂર નથી. બસ ઘરમાં જ ફેસપેક કે માસ્ક બનાવી તમે ગ્લોઇંગ સ્કીન મેળવી શકો છો.
આ કામ કરવા માટે ચોખાનો લોટ તમારી ઘણી મદદ કરશે. તેની મદદથી ત્વચા સાફ પણ થઈ જાય છે અને ચહેરા પર આવતા અનિચ્છનીય વાળ પણ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. જાણો, કેવી રીતે કરશો ચોખાના લોટનો ફેસપેક તરીકે ઉપયોગ.
ચોખાના લોટથી થતા ફાયદા- ચોખાનો લોટ ચહેરા માટે ઘણો જ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન તથી ફોલિક એસિડ ઘણો ગુણ કરે છે. તે સૂરજના કિરણોથી ડેમેજ થતી ત્વચાને રક્ષણ આપે, ચહેરા પર ડાર્ક સર્કલ દૂર કરે, સ્કીનમાં ગ્લો લાવે, ઉંમર વધતા ચહેરા પર થતી કરચલીને દૂર કરે.
ચોખા અને કાચું દૂધ – ચોખાનું ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લો અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. પછી તેને ચારથી પાંચ ચમચી કાચું દૂધ નાખીને દળી લો. હવે તેને આખા ચહેરા પર સરખી રીતે લગાવી લો. આ પેકને એક કલાક ચહેરા પર રહેવા દો. પેક ચહેરા પરથી હટાવો ત્યારે ચહેરા પર હળવા હાથે મસાજ કરવી. અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પેક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી લગાવવું.
ચોખાનો લોટ, મધ અને લીંબુ- ચોખાનો લોટ ડેડ સ્કીનને પણ દૂર કરવામાં મદદ કરે છે તેના માટે ચાર ચમચી ચોખા પલાળીને દળી લો અને ત્યાર બાદ તેમાં થોડુંક મધ અને લીંબુ મિક્સ કરી લો. હવે તેને ચહેરા પર લગાવો અને એક કલાક પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખો. તેનાથી ચહેરા પરની ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચામાં તાજગી આવી જશે.
ચોખાનું માસ્ક કેવી રીતે બનાવશો- બે ચમચી જેટલો ચોખાનો લોટ લેવો, એક ચમચી લીમડાની પેસ્ટ, એલોવેરાની પેસ્ટ, અને ચપટી હળદર જોઈએ. હવે જોઈએ તેને બનાવવાની રીત.
આ બધી વસ્તુ એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લેવી. પછી તેને ચહેરા પર લગાવવી. 5 મિનિટ થાય એટલે હળવા હાથે મસાજ કરવી. 15થી 20 મિનિટ પછી ચેક કરવું કે બરાબર સૂકાય ગયું છે. જો તે સૂકાય ગયું હોય તો નવશેકું પાણી ગરમ કરી ફેસ વોશ કરવો.
ચોખાના લોટમાંથી એન્ટી એજિંગ માસ્ક- 2 ચમચી ચોખાનો લોટ, એક ચમચી નાળિયેર પાણી લો, એક ચમચી પીસેલા કારેલા લો. હવે તેને બનાવવા માટે પહેલા એક વાસણ લો. તેમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. પેસ્ટ તૈયાર થાય એટલે તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 5 મિનિટ સુધી મસાજ કરવી.
સૂકાય જાય એટલે 20 મિનિટ પછી તેને ધોઈ નાખવું. એક વસ્તુ યાદ રાખવી કે ચહેરા પરથી માસ્ક દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. આ રીતે તમે એન્ટી એજિંગ માસ્ક ઘરે બનાવીને ચહેરો ચમકાવી શકો છો.
ડલ સ્કીન દૂર કરશે આ માસ્ક- 2 ચમચી જેટલો ચોખાનો લોટ લો, 2 ચમચી ટામેટાનો રસ, એલોવેરા જેલ 2 ચમચી લેવું. તેને બનાવવા માટે સૌથી પહેલા 2 ટામેટાં લેવા તેને ચોખ્ખા કરી મિક્સચરમાં ક્રશ કરો. તેની પેસ્ટ તૈયાર થશે. આ પેસ્ટ એક બાઉલમાં કાઢો. તેમાં ચોખાનો લોટ અને એલોવેરા જેલ નાખી મિક્સ કરો. તૈયાર થયેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો.
15થી 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો. આ પેસ્ટને સાદા પાણીથી ધુવો. સાફ કર્યા પછી તમે ક્રીમ લગાવી શકો છો. આ રીતે ચોખાના લોટથી તમારો ચહેરો ચમકવા લાગશે, અને ખીલથી ચહેરા પર પડતાં ડાઘ-ધબ્બા આ પેસ્ટ દૂર કરે છે.