રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ફળો અને શાકભાજીની છાલ ખાવામાં આવે ત્યારે 33 ટકા વધુ પોષણ આપે છે. કેળાં, સંતરા, લીંબુ, સફરજન, ટામેટાં, બટાકા, ગાજર વગેરે જેવા ફળો અને શાકભાજીની છાલ ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. એવી જ રીતે ત્વચાની સંભાળ માટે પણ તેમની છાલ એટલી જ જરૂરી છે.
આપણે છાલ નકામી સમજી ઘણી વખત ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તે ત્વચાને નરમ, ગ્લોઇંગ બનાવવા માટે ઘણી મદદરૂપ સાબિત થાય છે. આપણે દૂધ, મધ, હળદર, કપૂર વગેરેની મદદથી ચહેરો સારો રહે તે માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. આજે તમને જણાવીશું કે કયા શાકભાજી કે ફળની છાલ તમારી સ્કીન પરફેક્ટ બનાવશે તે જોઈએ.
કેળા- જો તમારી પાસે નિયમિત ત્વચાની કાળજી લેવાનો પૂરતો સમય ન હોય તો તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે વધેલી છાલને ફેંકવાને બદલે ચહેરા પર લગાવો. ચહેરાની સાથે ગરદન પર પણ લગાવી શકો છો. 5 મિનિટ સુધી ચહેરા પર આ છાલ ઘસવી અને 10 મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી નાખવો. આ પ્રમાણે કરવાથી પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, અને વિટામિન્સ જેવા તત્વો પ્રાપ્ત થાય છે.
લીંબુ- મોટાભાગની સ્ત્રીઓ ચહેરાની રંગત વધારવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે લીંબુની છાલ પણ એટલી જ ઉપયોગી હોય છે. તેની છાલ સૂકવી પાઉડર બનાવવો અને તે પાઉડરને પાણી સાથે મેળવી ચહેરા પર લગાવવાથી ચમક આવી જાય છે. એવી રીતે ઘણા લોકો લીંબુની છાલથી દાંત સાફ કરતા હોય છે. કેમ કે તેમાં રહેલું સિટ્રિક એસિડ દાંત ક્લીન કરે છે. એવી જ રીતે સ્કિન પર ઘસવાથી ઇન્ફેક્શનથી બચાવે છે.
દાડમ- દાડમની છાલમાં કેટલાય પોષક તત્વો હોય છે. જે ચહેરાની મૃત ત્વચા કાઢી નાખે છે. અને પી.એચ. બેલેન્સ જાળવી રાખે છે. દાડમની સીઝનમાં તેની છાલને સૂકવી પાઉડર બનાવો. આ પાઉડરથી તમે આખું વર્ષ ચહેરો ચમકાવી શકશો. આ પાઉડરમાં તમે લીંબુ અને મધ મિક્સ કરી પેસ્ટ બનાવી ફેસ પર લગાવો. તેનાથી સ્કીન પર ખીલના કારણે પડેલા ડાઘ ધબ્બા દૂર થઈ જશે અને એકદમ ગ્લો આવી જશે.
પપૈયું- પપૈયું શરીર માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એવી જ રીતે સ્કીન માટે ઘણું ફાયદાકારક છે. પપૈયાના પલ્પને કાઢી તેમાં થોડું મધ મિક્સ કરી સ્કીન પર લગાવવામાં આવે સોફ્ટ બને છે. તેની છાલ શુષ્ક એડિઓ પર ઘસવામાં આવે તો એડિ નરમ બને છે. ચહેરા પર લગાવવા પપૈયાની છાલના નાના-નાના ટુકડાં કરી વિનેગર નાખી મિક્સ કરી લગાવો. ઘણા લોકો પપૈયાનો પલ્પ આખી બોડી પર પણ લગાવતા હોય છે. તેનાથી સોફ્ટનેશ આવી જાય છે.
સંતરા- સંતરામાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં હોય છે. આ ત્વચાને શુદ્ધ કરવા માટે બ્લીચની જેમ ઉપયોગ કરે છે. તેના માટે તમે સંતરાની છાલની સૂકવણી કરો અને પાઉડર બનાવો. આ પાઉડરમાં તમે થોડી મલાઈ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી લગાવી રાખો પછી સાફ પાણીથી ચહેરો ધોઈ નાખો. ચહેરા પરની કરચલી દૂર થઈ જશે અને ત્વચા સોફ્ટ બનશે.
તે સિવાય પણ ચહેરા પર બ્લેકહેડ, ડાર્ક સર્કલ, ડ્રાય સ્કીન જેવી સમસ્યા રહેતી હોય તો સંતરાની છાલના પાઉડરમાં દૂધ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તમને જલદી છુટકારો મળશે. સ્કીન ટોન પણ હળવો થશે.
બટાકા – બટાકાની છાલથી વાળ લાંબા અને ગ્રોથ પણ થશે. બટાકાની છાલની પેસ્ટ બનાવી સ્કીન પર લગાવવામાં આવે તો થોડા મહિનામાં તમારો ચહેરો ચમકવા લાગશે. બટાકાની છાલ ચહેરા પર 5 મિનિટ સુધી ઘસવી અને થોડા સમય બાદ ચહેરો સાફ પાણી લઈ ધોઈ નાખવો.
સફરજન- સફરજન ખાદ્યમાં પોષક હોય છે, તેની છાલ પણ ગોરી ત્વચા મેળવવા માટે શ્રેષ્ઠ છે. સફરજનની છાલને પાણીમાં નાખી ઉકાળો અને તે ઠંડું થાય પછી ચહેરા પર મૂકવી. તેનાથી ચહેરાની રંગત વધે છે. તેમાં નિખાર આવી જાય છે.
આમ આપણે ફળ અને શાકભાજીની છાલ ફેંકી દઈએ છીએ. પણ તે સુંદરતા વધારવા માટે ખૂબ મહત્વની છે. માટે ઘણા ફળો અને શાકભાજીની છાલનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ સૌંદર્ય વધારવા માટે છાલના પરંપરાગત પ્રયોગો બતાવવામાં આવ્યા છે.