જીવનનું સૌથી મોટું સત્ય છે જે દુનિયામાં આવે છે તેને એક દિવસ આ દુનિયા છોડીને જવું પડે છે. આપણામાંથી ઘણા બધા એવા પણ હશે જેમના નજીકના સગા-સંબંધી કે મિત્રો દુનિયા છોડીને જતા રહ્યા હશે. ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે નજીકના સંબંધી અથવા ઘરનું કોઈ સભ્ય મૃત્યુ પછી પણ સપનામાં આવતા હોય છે અને તેનો અહેસાસ ખૂબ જ રહસ્ય વાળો હોય છે.
માણસ રાત્રે સૂઈ જાય છે ત્યારબાદ એક અલૌકિક દુનિયામાં પહોંચી જાય છે. આપણે તેને સપનાની દુનિયા કહેતા હોઈએ છીએ. દિવસ દરમિયાન વિચારો કે કેટલીક અધૂરી ઇચ્છાઓ આપણા સપનામાં પૂરી થતી હોય છે, પરંતુ ઘણા લોકોને સપના યાદ પણ રહેતા હોતા નથી, તો ક્યારેક સપનામાં મિત્ર, નજીકનું વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તે પણ દેખાય છે. આ ઘટના શુભ કે અશુભ છે તેવું ઘણા લોકો વિચારતા હોય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનું સ્વપ્નમાં આવવું આપણે કેટલાક સંકેતો આપે છે. તો ચાલો જોઈએ આ સંકેતો શું હોય છે અને આ સપનાં શુભ છે કે અશુભ.
મનોવિજ્ઞાનીઓ માને છે- આ પ્રકારના સપનામાં ખાસ સંદેશો છુપાયેલો હોય છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તે આપણા સપનામાં આવતા હોય તો તે આપણને સંદેશો આપતા હોય છે. જેમ કે આશ્વાસન, કંઈક જણાવવા માટે અને ભવિષ્યમાં થનારી ખરાબ ઘટનાને લઈને સાવધાન કરવા માટે આવે છે.
તે સપનામાં ઘણી વખત આપણને મેસેજ આપતા હોય છે જેનાથી જિંદગી બદલાય જાય છે. આવા સપનાં દરમિયાન જે ભાવના આવતી હોય એટલે કે ફીલિંગ આવતી હોય તે ખૂબ તીવ્ર અને જ્વલંત હોય છે. સપનું જોવા વાળાને જરાય ખ્યાલ નથી હોતો કે તે સપનું જોઈ રહ્યા છે કે હકીકત છે. અમુક સમયે તે એવી ઘટના બનતી હોય છે કે ઊંઘ ઉડી ગયા પછી તે માણસ સપનામાંથી જલદી બહાર આવી શકતો નથી. આ વાતો ખૂબ રોચક અને ઉપયોગી હોય છે તેના વિશે વધુ જાણીએ.
સપનામાં મૃત લોકોને જોવા- જો કોઈ મૃત પરિવારના સભ્યને સ્વપ્નમાં વારંવાર જોવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તેની આત્મા ભટકી રહી છે. તેને વિધિપૂર્વક અર્પણ કરો. તેમના નામે રામાયણ અથવા શ્રીમદ્ ભાગવતનો પાઠ પણ કરાવો. આ વાત પર વિજ્ઞાન સંમત નથી થતું. પણ સમાજમાં આવા ઘણા કિસ્સા જોવા મળે છે.
ગુસ્સામાં દેખાય- ઘણા લોકોને સપનાંમાં મૃત્ય વ્યક્તિ અત્યંત ગુસ્સામાં દેખાતા હોય છે. તેમના આ ઇશારાને આપણે સારી રીતે સમજવો જોઈએ. જો તે વ્યક્તિ ગુસ્સામાં દેખાય તો તેનો અર્થ એ છે કે તમારી પાસે કોઈ કામ કરાવવા માગે છે. જો તેણે તમને કોઈ ઇચ્છા કહી હોય તો તેને પૂરી કરવાનો પ્રયાસ કરો. બાળકો અને ગરીબોને મીઠાઈનું દાન કરો. તર્પણ ન કર્યું હોય તો તે કરવું. જો સપનામાં મૃત પરિવારજન દેખાય અને તે કોઈ કામ કરવા કહે તો તે કામ પૂરું કરવું જોઈએ. તેમના નામે દાન કરવું.
સપનામાં મૃતક વ્યક્તિ ખુશ- સ્વપ્નમાં મૃત વ્યક્તિ ખુશ દેખાતા હોય છે. જે સંદેશો આપે છે કે તે પોતે ખુશ છે. તેમના માટે આપણે હેરાન કે ચિંતા કરવાની જરૂર નથી. તે ઉપરાંત આવા સ્વપ્ન તમને કોઈ મોટી સફળતા મેળવવાનો સંકેત પણ આપે છે.
જો સપનામાં ઘણી વાર મૃતક પરિવારજન વારંવાર આવે અને શાંત મુદ્રામાં હોય તો સમજી જવું કે તમે કોઈ ખોટું કામ કરી રહ્યા છો. તમે જે કામ કરી રહ્યા હોવ તેમાં બરાબર ધ્યાન આપો અને તેમાં થોડો સુધારો લાવવો જોઈએ.
હિંદુ ધર્મ પ્રમાણે દાન- હિંદુ ધર્મમાં દાન પુણ્યનું ખૂબ મહત્વ હોય છે. પરિવારનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર વિધિવત કરવા જોઈએ. ઘણી વખત કોઈ કારણસર ભૂલ થઈ ગઈ હોય તો પિતૃ શ્રાદ્ધ તર્પણ કરવું તેના માટે બોધ ગયા જવું. આપણા ત્યાં દાનનું ઘણું મહત્વ છે. જેથી શ્રાદ્ધ વખતે બને તો દાન જરૂર કરવું જોઈએ. જેથી મૃતકની આત્માને શાંતિ મળે.
આ કારણ પણ મહત્વનું છે – ઘણી વખત આપણા નજીકના સ્વજનનું મૃત્યુ થવાને કારણે આખો દિવસ મગજમાં તેના વિચારો આવતા હોય છે. તેમની ખોટ ઘરમાં આપણને સાલતી હોય છે. જેના કારણે સૂઈ જઈએ તે સમયે પણ સપનામાં આવે છે. આખો દિવસ જે વ્યક્તિના વિચારો આવે તે જ વસ્તુ કે વ્યક્તિના સપનાં આપણને આવતા હોય છે. આ પ્રકારની વસ્તુ ઘણા લોકો સાથે બનતી હોય છે.
મૃતકોનો આશીર્વાદ જરૂરી- પંડિતોનું એવું માનવું છે કે શ્રાદ્ધ પક્ષમાં દાન-પુણ્યથી પ્રસન્ન થઈને આપણા પૂર્વજ સપનામાં આશીર્વાદ આપવા માટે આવે છે. તેમનું આવવું એ વાત તરફ ઈશારો કરે છે કે તેમને તમારા શ્રાદ્ધને સ્વીકાર કર્યું છે. સપનામાં પૂર્વજ ભોજનનો સ્વીકાર કર્યા બાદ તમને સંપન્નતા અને સફળતાનો આશીર્વાદ આપે છે.
આ રીતે સ્વપ્નમાં મૃત પરિવારના લોકો આવે તો ભયભીત થઈ જતા હોય છે, પરંતુ ક્યારેય ગભરાવું નહીં. મૃત પરિવારજન સ્વપ્નમાં આવે તો ઘણા શુભ સંકેતો મળતા હોય છે. આ વાત ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ માહિતી અનુસાર અને અમુક પુસ્તક અનુસાર લખેલી છે. તમારૂ મંતવ્ય કદાચ આ બાબતો પર અલગ પણ હોય શકે છે. એટલે આ વાત જ પરમ સત્ય છે તેવું કોઈ તારણ આ લેખ પરથી સાબિત થતું નથી – ધન્યવાદ.