આજકાલની લાઈફસ્ટાઈલના કારણે લોકો ઘરનો પૌષ્ટિક ખોરાક છોડીને બહારના પિઝા, પાસ્તા, નુડલ્સ, ઢોંસા ખાવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આ ખોરાક તમને ક્યારેકને ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે તો બહાર જમવું એક ટ્રેન્ડ જેવું બની ગયું છે. રવિવાર છે તો ચાલો આજે સાંજે બહાર ફરવા જઈશું સાથે જમવાનું પણ બહાર જ હોય. પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટનું જમવાનું તમારા શરીરને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. તેની સીધી અસર તમારા શરીરના નાના-મોટા અંગો પર થતી જોવા મળશે.
તેમાંનું એક લક્ષણ છે પગમાં બેચેની લાગવી અથવા આપણે તેને પગની નસ ચઢી ગઈ, સ્નાયુઓ ખેંચાઈ ગયા કહીએ છીએ. પણ આ શા કારણે થાય છે તે ક્યારેય વિચાર્યું છે? ઘણી વાર વધારે પડતા કામના કારણે અથવા ડાયાબિટીસને લીધે બની શકે, ઘણી વાર વિટામિનોની શરીરમાં ઉણપ હોવાના કારણે પણ આ તકલીફ થતી જોવા મળતી હોય છે. આપણા શરીરમાં ઘણા એવા વિટામિન્સ છે જે ઘટવા લાગે તો પગમાં બેચેની થવા લાગે છે. તો ચાલો જાણીએ શરીરમાં શાની ઉણપના કારણે તમને પગની તકલીફ થાય છે અને તેનાથી દૂર રહેવા શું કરવું જોઈએ.
- વિટામિન-ડી- (D)
આપણા શરીરને સરળતાથી ચલાવવા માટે આ વિટામિન ખૂબ જ મહત્ત્વના હોય છે. તેને સનલાઈટ વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન શરીરમાં હોર્મોનની જેમ કામ કરે છે. ઘણા બધાને તડકો ગમતો નથી હોતો. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળતા હોય છે. તે તદ્દન ખોટી આદત છે. કેમ કે સૂર્યના કિરણોમાંથી તમને વિટામિન-ડી મળે છે. જેના કારણે તમારું શરીર સ્વસ્થ રહે છે.
તો બને ત્યાં સુધી શિયાળો હોય તો સવારે કૂણા તડકામાં બેસવાનું રાખો. અને ઉનાળામાં પણ સવારના સમયે થોડીવાર બહાર ખુલ્લી જગ્યા પર અથવા તો ટેરેસ પર આંટા મારવા જોઈએ. ઉનાળામાં બપોરના ટાઈમ પર બહાર ન નીકળવું. વિટામિન-ડી તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિનની કમીના કારણે ઘણી વાર ફલૂ તાવ, ડિપ્રેશનમાં આવવું, રક્તવાહિની સંબંધી કેટલીક સમસ્યા, દમનો રોગ, દાંતના રોગો, કેન્સર જેવી ભયંકર બીમારી પણ થઈ શકે છે. તેમજ પગના મજબુત હાડકાઓ માટે આ વિટામીન ખુબ જરૂરી છે.
માટે જેને પણ આ વિટામિનની કમી હોય તેને દૂર કરવા ભરપૂર માત્રામાં વિટામિન-ડી હોય તેવો ખોરાક લેવો જોઈએ. જેમ કે માંસ, માછલી, દૂધ, ઇંડાની જરદી, કેટલાક ડેરી ઉત્પાદનો જેમાં આ વિટામિન ભરપૂર હોય, અનાજ અને દહીંમાંથી પણ તમને વિટામિન-ડી ભરપૂર પ્રમાણમાં મળી રહેશે. તો રાહ જોયા વગર આજે જ શરૂ કરો વિટામિન-ડીનું સેવન.
- વિટામિન- B (12)
એક સ્વસ્થ શરીર અને બ્રેઈનને પૌષ્ટિક આહારની જરૂરિયાત હોય છે. એવો આહાર જે પ્રોટીન, વિટામિન, ફેટ્સ, કાર્બોહાઈડેટ અને આર્યનથી ભરપૂર હોય. આ બધામાંથી આપણા શરીરમાં એકની પણ ખામી રહે તો સ્વાસ્થ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વિટામિન શરીર માટે ઘણા મહત્ત્વના હોય છે, તેની ઉણપના કારણે શરીર થોડા સમયમાં સંકેત આપવા લાગે છે.
તેમાં એક છે વિટામિન-બી12ની ઉણપ. આ વિટામિન શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે કરવામાં મદદ કરે છે. તેનાથી પગમાં જે આપણને બેચેની લાગતી હોય તેમાં આરામ મળે છે. વિટામિન-બી 12ની ઉણપથી સ્ટેમિના તો ઘટે છે જ સાથે સાથે માનસિક તથા સ્કિનને લગતી સમસ્યા પણ થતી હોય છે. ઘણી વાર તો સ્કિન પર કાળા ચકામા પડવા લાગતા હોય છે. મોં માં આવારનવાર ચાંદા પડવા જેવી પણ સમસ્યા થતી હોય છે. વિટામિન-બી12ની ખામીથી શરીરમાં કોઈપણ કારણ વગર હાથ અને પગમાં ખાલી ચડે છે. શરીર પણ ફિક્કુ પડવા લાગે છે. પગની એડીમાં લાલાશ જોવા મળતી નથી.
તમે થોડું ચાલોને થાકી જાવ અથવા કોઈ વાર સીડી ચઢવાની આવે તો થાક લાગતો હોય છે. આ રીતે વિટામિન-બી12ની ઉણપથી ઘણી બધી શરીરમાં તકલીફ થવા લાગતી હોય છે. શરીરમાં આ વિટામિનની ખામીને દૂર કરવા માટે માંસ ખાવું, પરંતુ જે લોકો નોનવેજ નથી ખાતા તેમના માટે બેસ્ટ ઓપ્શન છે. દૂધ પીવું, દૂધ પીવાથી વિટામિન-બી12ની ઉણપ ઓછી થાય છે. તેનાથી પણ વધારે ઉત્તમ ગાયનું દૂધ માનવામાં આવે છે. કેમ કે ગાયના દૂધમાં બી12 વધારે હોય છે.
આ ઉપરાંત મગ, મઠ અને ચણામાં સારી માત્રામાં જોવા મળે છે. જો તમે ફણગાવેલા મગનું સેવન કરશો તો ક્યારેય વિટામિન-બી12ની ઉણપ જોવા નહીં મળે. સોયાબીનમાં પણ ભરપૂર માત્રામાં વિટામિન-બી12 જોવા મળે છે. આમ નિયમિત વિટામિન-બી12ની ઉણપ દૂર કરે તેવા ખોરાકનું સેવન કરશો તો તમારા શરીરમાં જે કોઈપણ આડઅસર થતી હશે તે અટકી જશે.
- વિટામિન- E
શરીરના વિકાસ માટે વિટામિન-ઈ ખૂબ જ જરૂરી છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ રહેલા છે. તે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે તમને કોઈપણ ચેપી રોગથી બચવામાં મદદ કરે છે. શરીરમાં વિટામિન-ઈ લોહીનું દબાણ અને માંસપેશીઓને સંકોચતી બચાવે છે. સાથે સાથે તમારા પાચનતંત્રને લગતી સમસ્યા છે તે પણ દૂર થાય છે. જેના કારણે પગમાં બેચેની કે ખાલી ચડવા જેવી તકલીફ ધીમેધીમે દૂર થતી જણાય છે.
વિટામિન-ઈ માત્ર પગની બેચેની જ દૂર નથી કરતી તે વાળને સુંદર અને મજબૂત બનાવે છે. સ્કીનની સુંદરતા જાળવી રાખવા પણ આ વિટામિન ખૂબ મહત્ત્વનો ગણાય છે. આપણા શરીરમાં કુદરતી રીતે કોઈપણ વસ્તુનું નિર્માણ થતું નથી માટે ખોરાક અને અન્ય વસ્તુઓનો સહારો લેવો પડતો હોય છે.
હવે જાણીએ વિટામિન-ઈની ઉણપ કેવી રીતે દૂર કરી શકાય. જેમ કે તમે ખોરાકમાં શક્કરીયા, પાલક, સરસવ, કેરી, પપૈયું, પોપકોર્ન, સલગમ, ઈંડા, બદામ, મગફળી, અખરોટ, સોયાબિન, બ્રોકોલી, લાલ સીમલા મરચાં, સૂર્યમૂખીના બીજ, કોળું, વગેરે વસ્તુઓનું સેવન કરવાથી વિટામિનની ખામી દૂર થાય છે. અને સ્વસ્થ જીવન જીવિ શકો છો.
- વિટામિન- C
દરેક વ્યક્તિને વિટામિનની વધારે કે ઓછી માત્રામાં જરૂર હોય છે. કોઈપણ વિટામિન હોય તેનું એક આગવું મહત્ત્વ રહેલું છે. અને તેમાંથી કોઈપણ વિટામિનની ઉણપ થાય તો ગંભીર બીમારી થવાની સંભાવના રહેલી છે.
બધા વિટામિનમાં સૌથી મહત્ત્વનું ગણાતું વિટામિન્સ છે વિટામિન-સી. શરીર માટે ખૂબ જ જરૂરી તત્ત્વ માનવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ રહેલું છે. જે કનેક્ટિવ પેશીઓને સારી બનાવે છે અને સાંધાને પણ ટેકો આપવાનું કામ કરે છે. તે ઉપરાંત પણ શ્વેત રક્તકણો કે ચેપ સામે લડવામાં મદદ કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
જેનાથી તમને પગમાં વારંવાર બેચેની કે ખાલી ચડવાની અથવા સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા છે તે દૂર થઈ જશે. આર્યુવેદમાં પણ કહેવાય છે કે ટીબીની સારવાર માટે વિટામિન-સી ઔષધનું કામ કરે છે. વિટામિન-સીના સેવનથી શરીરમાં આર્યનની કમી પણ દૂર થાય છે. જેનાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને લોહીની કમી પણ દૂર થાય.
વિટામિન-સીની ઉણપથી એનિમિયા, પેઢામાંથી લોહી આવવું, ઘણી વાર ભૂખ લાગતી નથી, ચામડીને લગતા પણ રોગ થવા લાગે છે. જેવી નાની મોટી બીમારીનો સામનો કરવો પડતો હોય છે.
ફળોમાં સારા પ્રમાણમાં વિટામિન-સી રહેલું હોય છે. તેમાં પણ ખાસ કરીને સાઈટ્રીસ ફળો એટલે કે ખાટા ફળો જેવા કે આમળા, નારંગી, લીંબુ, સંતરા, કીવી, બોર, દ્રાક્ષ, ટામેટા, સફરજન, જામફળ વગેરેમાંથી મળે છે. એ ઉપરાંત કેપ્સીકમ, મૂળાના પાંદડા, કોબી, દૂધ, લીંબુ જેવા શાકભાજીમાંથી વિટામિન-સી મળે છે.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતું વિટામિન-સીનું સેવન પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી બને ત્યાં સુધી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
તમામ વસ્તુના સેવનથી પણ જો તમને પગમાં બેચેની કે સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા રહ્યા કરતી હોય તો ડોપામાઇનની ઉણપ હોઈ શકે છે. એક્સરસાઈઝ બધી વસ્તુઓનો બેસ્ટ ઉપચાર માનવામાં આવે છે. જો તમે રેગ્યુલર એક્સસાઈઝ કરશો તો પગની બેચેની ધીમેધીમે ઓછી થઈ જશે.
ડાયાબિટીસના દર્દીઓને આ સમસ્યા ખાસ રહેતી હોય છે, તો તેવા વ્યક્તિઓએ બધા વિટામિન્સ સારી રીતે મળી રહે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ. તેમજ ડોક્ટરની સલાહ મુજબ કામ કરવું.