જોબમાંથી મોડા ઘરે આવવું, રાત્રે મોડા સુધી ઉજાગરા કરવા, અથવા લેટ નાઈટ મોબાઈલને કારણે ઊંઘ પૂર ન થવી, અને ખાસ વાત ભોજનમાં જંકફૂડનું વધતું જતું પ્રમાણ. આ બધા કારણો જ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તેના કારણે શરીરમાં જરૂરી પોષક તત્ત્વો નથી મળતા સાથે વધારે પડતું ઓઇલી ફૂડ ખાવાથી શરીરમાં કેટલીક બીમારીઓનું ઘર બની જતું હોય છે. શરીરને પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ એવાં કેટલાક પોષક તત્ત્વોની જરૂર હોય છે.
ત્યારે આપણને શરીરમાંથી કેટલાક સંકેતો મળવા લાગે છે. જે જણાવે કે તમારું સ્વાસ્થ્ય સારું નથી. શરીરમાં થોડા દુખાવા કે અન્ય કોઈ લક્ષણો જોવા મળે છે, પણ આપણે તેને ઈગ્નોર કરતાં હોઈએ છીએ. બીમારી કોઈપણ હોય નાની હોય કે મોટી શરૂઆતમાં તેના થોડા ઘણાં લક્ષણો જોવા મળતાં જ હોય છે. આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. તેના કારણે લાંબા ગાળે આપણને અસામાન્ય દેખાતી બીમારી ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.
જો તમારા શરીરમાં આ પ્રકારના લક્ષણો દેખાય તો તેને ઈગ્નોર ન કરતાં યોગ્ય સમયે તેની સારવાર અચૂક કરાવો. જેથી તમે ભયંકર બીમારીનો ભોગ બનતાં અટકી જશો.
- નસકોરાં બોલવા-
મોટાભાગે પુરુષોને વધારે નસકોરાં બોલતા હોય છે. તેની સમાનતામાં સ્ત્રીઓને આ સમસ્યા ઓછી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, નસકોરા કેમ બોલતા હોય છે. રાત્રે કોઈ પણ વ્યક્તિ સૂતી હોય તે ગાઢ નિંદ્રામાં હોય છે. તે દરમિયાન આપણા મોં અને ગળાના સ્નાયુઓને આરામ મળતો હોય છે. જેના કારણે ગળામાં રહેલી પેશીઓ ઢીલી પડે છે. તે સમયે શ્વાસ લઈએ છીએ ત્યારે ગળામાંથી હવા પસાર થતાં સંકુચિત થઈ જાય છે. અને ગળામાં જે પેશીઓ રહેલી છે તેમાં કંપન થાય છે. જેના કારણે અવાજ થવાનો શરૂ થાય છે અને તે અવાજ બહાર આવવા લાગે છે. ધીમે ધીમે હવાનો વેગ ઝડપી બને છે અને કંપન વધતાં નસકોરાંનો અવાજ પણ વધવા લાગતો હોય છે.
નસકોરા બોલવાની સમસ્યા આજ કાલ વધી રહી છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે. જેમ કે, મેદસ્વીતા, સાઈનસની સમસ્યા, કોઈપણ વસ્તુની એલર્જી હોવી, બીઝી લાઈફસ્ટાઈલ, વગેરેને કારણે નસકોરાં બોલતા હોય છે. પરંતુ આપણે તે સામાન્ય બાબત ગણીને જવા દઈએ છીએ. તે અવગણવા જેવી વાત નથી. આ તકલીફ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામના ડિસઓર્ડર સાથે જોડાયેલી છે. લાંબા ગાળે તેનાથી ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે.
- પેટમાં ગેસ થવો-
અત્યારે મોટી ઉંમરના હોય કે નાની ઉંમરનાં યુવાન વ્યક્તિ બધાને પેટને લગતી કોઈને કોઈ સમસ્યા રહ્યા કરતી હોય છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટ ભારે લાગવું વગેરે જેવા કારણો હોય છે. આ બધી વસ્તુથી એટલો ખ્યાલ આવવો જોઈએ કે તમારી પાચનક્રિયા ખરાબ થઈ ગઈ છે. કોઈ પણ વ્યક્તિ હોય તે દિવસમાં 10 વખત કે તેનાથી વધુ વખત ગેસ પાસ કરે છે, પણ તેનાથી વધુ વખત ગેસ પાસ થાય તો સમજી લેવું કે તમે એટલા સ્વસ્થ નથી જેટલા હોવા જોઈએ.
આ ગેસની પ્રોબ્લેમ હોય તો ખોરાકમાંથી તમારે વધારે પડતું તેલ વાળું શાક, જંકફૂડ જલ્દીથી બાદ કરી દેવા જોઈએ. નહીં તો ઘણું મોડુ થશે અને બીજી પેટની બીમારીઓ પણ વધશે. તેમજ વધુ પડતી ચિંતા, તેમજ રાતના મોડે સુધી કામ વગરના વિચારો ન કરવા જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ.
- પેશાબનો આ રંગ આવે-
સામાન્ય રીતે દરેકના પેશાબનો રંગ અલગ-અલગ હોય છે. પરંતુ તે પીળા રંગની રેન્જમાં આવવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ યુરિન પાસ કરે ત્યારે તે આછો પીળો અથવા ઘાટા પીળા રંગનો હોય છે. તેનું કારણ છે યુરિનમાં રહેલા રંગદ્રવ્ય યુરોકોમ, જેના યુરોબિલિન કહેવામાં આવે છે. દિવસ દરમિયાન તમે યુરિન પાસ કરો ત્યારે તેના રંગમાં વધઘટ થતી હોય છે.
સવારે ઉઠ્યા પછી પહેલો પેશાબ મોટાભાગે ઘાટા રંગનો હોય છે. બાકી દિવસ દરમિયાન હળવો થવા લાગે છે. આ સિવાય તમારો પેશાબ રંગહિન અથવા કોઈ બીજા રંગનો આવે છે તો સમજવું કે તમારા શરીરમાં કોઈને કોઈ તકલીફ છે. જેમ કે લાલ પેશાબ, કાળા રંગનો અથવા તો લીલા રંગનો આવે તો આ પ્રકારના સંકેત મળવા લાગે તો, કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર તેની યોગ્ય સમયે સારવાર કરાવવી.
- આંખનો રંગ બદલાવવો-
શરીરમાં સૌથી મહત્ત્વનું અંગ આંખને માનવામાં આવે છે. આંખને કંઈક થાય તો માણસનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેથી તેની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો તમારી આંખનો રંગ બદલાવા લાગે તો તેને ઈગ્નોર કર્યા વગર ડૉક્ટર પાસે જઈ સારવાર કરાવી જોઈએ.
આંખોનો બદલાતો રંગ તમને સંકેત આપે છે કે તમારું સ્વાસ્થ્ય સારું નથી. તમારી આંખનો સફેદ પાર્ટ ધીમેધીમે પીળો અથવા લાલ થવા લાગે તો સમજી જવું કે શરીરમાં બીમારીની શરૂઆત થઈ રહી છે. પીળા રંગનો મતલબ છે કે કમળો અથવા લિવરની કોઈ તકલીફ હોય. જો તમારી આંખ વારંવાર લાલ થઈ જાય છે તો તમને કોઈ વસ્તુનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે અથવા વધારે પડતાં કોમ્પ્યૂટરના ઉપયોગથી પણ થઈ શકે છે. અપૂરતી ઉંઘના કારણે પણ તમારી આંખોને નુકસાન થઈ શકે છે અને તેના કારણે ઘણાં પ્રોબ્લેમ થવા લાગે છે.
- નખનો બદલાતો રંગ-
દરેક સ્ત્રીને નખ લાંબા ગમતાં હોય છે. પણ લાંબા થાય તે પહેલાં તૂટી જતાં હોય તો સમજવું કે શરીરમાં કેલ્શિયમ કે બીજા કેટલાક વિટામિનની ઉણપ હોઈ શકે છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે મારા નખ લાંબા નથી થતાં તો સમજવું કે ન્યુટ્રિશીયનની ઉણપના કારણે પણ તમારા નખ વધતાં નથી હોતા. એ ઉપરાંત પણ નખનો રંગ ઘણી વાર બદલાવા લાગે છે. જેમ કે, વ્હાઈટ સ્પોટ, ડાર્ક સ્પોટ, અથવા પીળા કલરના દેખાતા હોય છે. આ બધા સંકેત છે કે તમારા શરીરમાં કોઈપણ બીમારી હોઈ શકે છે.
એ ઉપરાંત પણ ઘણી વાર એવું બનતું હોય છે કે વધારે પડતાં સ્મોકિંગ અને ખરાબ નેલ પોલિશના કારણે પણ નખનો રંગ બદલાવા લાગતો હોય છે. બને ત્યાં સુધી સારી કંપનીની જ નેલપોલિશ વાપરવાનો આગ્રહ રાખવો. પણ જો વિટામિનની કમીને લીધે નાખમાં રંગ બદલાયા હોય તો, જલ્દીથી તેનો ઉપાય કરવો વધુ હિતાવહ છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.