મોટાભાગે દરેક ઘરોમાં અને મંદિરમાં પૂજા પાઠના વાસણો આપણે પિત્તળ અને તાંબાના વાપરતા હોઈએ છીએ. પહેલાના જમાનામાં તાંબા પિત્તળના વાસણો ઘરની શાન ગણાતી હતી. પરંતુ જ્યારે તેને સાફ કરવામાં આવે ત્યારે દરેક મહિલા માટે તે માથાનો દુખાવો બની જતો હતો. તે પિત્તળના દિવેટીયા રોજ સાફ કરવા છતાં ચીકાશ વાળા અને કાળા પડી જાય છે. ઘણી વખત તો તેની પર લીલો રંગ થઈ જતો હોય છે. ઘણી વખત થોડા શ્યામ પણ પડી જતા હોય છે.
એવી જ રીતે પૂજા પાઠના વાસણોમાં ઘી અને તેલ લાગી જવાને કારણે એટલા ગંદા થઈ જતા હોય છે. તેની ચીકાશ અને કાળાશ દૂર કરવા માટે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ કરશો તો ચમકવા લાગશે.. જો તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર અમે જણાવેલી ખાસ ટિપ્સથી સાફ કરશો તો દિવેટિયા થોડા દિવસમાં જાણે નવા લાગવા લાગશે. આવો જાણીએ તે ખાસ ટિપ્સ..
લીંબુ અને બેકિંગ સોડા- લીંબુ અને બેકિંગ સોડાનો એક સારા એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવા માટે, અડધા લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક મુલાયમ કપડાથી પૂજાના વાસણ જે ગંદા થયા હોય તેની પર લગાવો. આ પેસ્ટને 30 મિનિટ સુધી લગાવી રાખો. ગરમા પાણી વડે સાફ કરો. પિત્તળની મૂર્તિ હશે કે વાસણ તેમાં નવી ચમક આવશે.
વિનેગર- પૂજાના વાસણો સાફ કરવા માટે તમે સફેદ વિનેગરની મદદ લઇ શકો છો. બે ચમચી ઘઉંના લોટમાં એક ચમચી મીઠું અને એક ચમચી સફેદ વિનેગર મિક્સ કરી પેસ્ટ બનાવો. જો તમારી પાસે વિનેગર ન હોય તો લીંબુનો ઉપયોગ કરી શકો છો. હવે આ પેસ્ટને તમે પૂજાના વાસણ પર લગાવી દો. 10 મિનિટ બાદ તેને બરાબર ઘસી સાફ કરો. અને ચોખ્ખા પાણીથી ધોઇ નાખવું. વાસણ ચમકદાર થઈ જશે.
એ સિવાય પણ તમે બે કપ પાણીમાં ચાર ચમચી જેટલું વિનેગર લઈ મિક્સ કરો. તે પાણીમાં પૂજાના વાસણ ડુબાડો. 15 મિનિટ બાદ વાસણમાંથી જે મેલ અને ચીકાશ હશે તે દૂર થતો દેખાશે. હવે તેને બહાર કાઢી ચોખ્ખા પાણીથી સાફ કરવા.
તમે મીઠું અને વિનેગર મિક્સ કરીને પણ વાસણ સાફ કરી શકો છો. થોડા પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી તેમાં વાસણ ડુબાડી દો. તેને 15 મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી તેને સાફ પાણીથી ધોઇ લેવા. આ રીતે તમે પૂજાના વાસણ એકદમ સાફ કરી શકો છો.
આંબલી- આંબલીથી તમે ઘરમાં રહેલા વાસણ અને ભગવાનની મૂર્તિ તથા દિવેટિયા પણ સાફ કરી શકો છો. તેના માટે થોડી આંબલી લઇ રાત્રે પાણીમાં પલાળી રાખો. જેથી તે ઓગળી જશે અને સવારે તેનાથી દિવેટિયા કે ભગવાનની મૂર્તિ પર ઘસો. થોડી વાર માટે એમ જ રહેવા દો. પછી તેને સાફ પાણીથી ધોઇ લો. એકદમ ચોખ્ખા થઈ જશે દિવેટિયા. તમે રાત્રે આંબલી પલાળવાની ભૂલી ગયા હોય તો 15 મિનિટ સુધી પલાળી રાખશો તો પણ સોફ્ટ થઇ જશે. પછી તેનો પલ્પ પિત્તળના વાસણો પર ઘસી શકો છો.
બટાકા- ઘરમાં કોઈ આઇટમ બનાવતી વખતે એક બટાકો વધારે બાફવા મૂકો અથવા સ્પેશિયલ અઠવાડિયામાં એક વાર આ પ્રયોગ કરી શકો છો. બટાકાને પ્રેશર કૂકરમાં પાણી રેડી બાફો. બટાકું બફાય જાય ત્યારબાદ તે પાણીમાં પૂજાના વાસણ પલાળી રાખો. 15-20 મિનિટ પલાળી રાખ્યા બાદ તે પાણીમાંથી બહાર કાઢી લો. હવે તેના પર બાફેલું બટાકું ઘસો. બટાકું ઘસવાથી બધી ચિકાશ નીકળી જશે અને વાસણ ચમકવા લાગશે.
લીંબુ અને મીઠું- પહેલાના સમયની સૌથી બેસ્ટ રીત છે આ. સૌથી પહેલા પૂજાના વાસણો હુંફાળા ગરમ પાણીમાં પલાળી રાખો. થોડી મિનિટો પછી તેને બહાર કાઢી અડધું લીંબુ લઈ તેમાં ચોથા ભાગનું મીઠું એડ કરી તેના પર ઘસો. આ પૂજાના વાસણ પર તમે લીંબુની છાલ પણ ઘસી શકો છો. તમારા વાસણ 2 મિનિટની અંદર એકદમ સાફ અને ચોખ્ખા થઈ જશે.
ખાટી અને ઘટ્ટ છાશ- ઘણા ગામડાઓમાં મહિલાઓ હજુ પણ ખાટી અને ઘટ્ટ છાશ વડે પિત્તળના વાસણ સાફ કરે છે. તેનાથી ખૂબ સારું પરિણામ મળે છે. તે માટે 2-3 દિવસની ખાટી છાશ લેવાની અને તેમાં પિત્તળના વાસણ ડૂબાડી રાખવા, મોટા વાસણ હોય તો તેને છાશ વડે ઘસવા. તેનાથી તમારા વાસણો ચમકી ઉઠશે..
તમને આ માહિતી કેવી લાગી, કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.