આજકાલ નાના શહેરમાંથી ઘણા છોકરા-છોકરીઓ શહેરમાં ભણવા માટે આવતા હોય છે. ગામડામાં સામાન્ય જીવનમાં જીવેલા છોકરા કે છોકરીઓ શહેરમાં આવીને તેના ભૌતિક સુખથી અંજાય જાય છે. અને ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે ગામડામાં રહેતા સામાન્ય પરિવારના પિતાએ દીકરીને ભણવા માટે શહેર મોકલી ત્યારે સરસ મજાનો પત્ર લખ્યો. તે માત્ર પત્ર નથી પણ ઉંડી સમજ છે. ચાલો જાણીએ દીકરી જ્યારે ભણવા શહેરમાં આવી ત્યારે પિતાએ કેવો પત્ર લખ્યો હતો….
મારી લાડકવાયી દીકરી…. જ્યારથી તું ભણવા માટે શહેર ગઈ છે. આખા ઘરમાં ખાલીપો વર્તાય છે, પરંતુ તે અમને સ્વીકાર્ય છે. કેમ કે તું શહેરમાં જઈ સારી ડિગ્રી મેળવીને આગળ વધીશ. તારી મમ્મીને જે તકલીફો પડી છે. તે તને ના પડે તે માટે શહેર ભણવા મોકલી છે. આજે જાત-જાતની વાતો અને સમાચાર વાંચ્યા છે. આ વાંચીને અંતરમાં કંઈ કેટલાય પ્રશ્નો ઉભા થયા છે એટલા આજે તને કાગળ લખવા બેઠો છું.
મોટાભાગે છોકરા-છોકરીઓ હોસ્ટેલમાં રહેતા હોય છે. જ્યારે શહેરમાં ભણવા આવે ત્યારે અને મારી પણ એવી જ ઇચ્છા હતી કે તને ગર્લ્સ હોસ્ટેલમાં રાખું. જેથી તું સમૂહમાં રહીને કેવી રીતે જીવાય તે જાણી જાય. તારી મમ્મીને પણ એવી જ ઇચ્છા હતી કે તને હોસ્ટેલમાં રાખું કેમ કે એક મા તરીકે તેને ઘણી ચિંતા રહેતી હતી. પરંતુ મેં તને રૂમ રાખીને ભણવાની છૂટ આપી, કેમ કે મારી લાડકી દીકરી પર વિશ્વાસ છે.
ઘણા સમાચાર અને પેપરમાં જોયું અને સાંભળ્યું છે કે ગામડેથી આવતા છોકરા-છોકરીઓ ભણવા કરતાં બગીચામાં વધારે ફરતા જોવા મળે છે. મોજ મસ્તી અને પૈસા ઉડાવામાં જ તેમને મજા પડે છે. કારણ કે તેમનું ધ્યાન રાખવા વાળા માતા-પિતા હાજર હોતા નથી. પણ આ બધા સમાચાર વાંચ્યા છતાં મારું મન સહેજ પણ ડગ્યું નહીં, કેમ કે મારી લાડકી દીકરી પર વિશ્વાસ છે. અને દીકરી,- ગમે ત્યારે તારું મન ભટકે કે ગભરાય ત્યારે, તારું લક્ષ્ય અને માં-બાપે ખેતરમાં પાડેલો પરસેવો યાદ કરજે.
કેટલાક લોકો એવી વાતો કરતાં હોય કે ગામડાની છોકરીઓ શહેરમાં આવીને વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો કરતી હોય છે. પણ બેટા, ગામડામાં આપણે સામાન્ય મકાનમાં રહેલા છીએ, આબરૂ તારા હાથમાં છે. નવા નવા કપડાં, મોબાઈલ, બાઈક કે કારમાં ફરવા માટે ઘણી છોકરીઓ તેમના સંસ્કારો ભૂલીને ઘણા કામો એવા કરતી હોય છે કે તેના મા-બાપને નીચું જોવાનો દિવસ આવી જાય છે. પણ તે સાંભળીને મને કંઈ થતું નહીં, કેમ કે મારી લાડકી પર વિશ્વાસ છે.
થોડો વખત પહેલા એક ભાઈ મને મળ્યા તે કહેતા હતા કે હું એક હોટલમાં રોકાયો હતો. ત્યાં મેં જોયું કે એક કલાકમાં 6 છોકરા છોકરીઓની જોડી આવી રૂમ લીધો. હોટલના રૂમ સરળતાથી મળી પણ ગયા, છોકરીઓ ચહેરો ન દેખાય તે માટે દુપટ્ટો બાંધેલો હતો. આ વાતે તારી મમ્મીને કરી તો તારી મમ્મી સહેજ ચિંતામાં પડી ગઈ પણ મને કંઈ ન થયું, કેમ કે મારી લાડકી પર વિશ્વાસ છે.
ન્યૂઝ ચેનલમાં જોવા મળ્યું કે આજના સમયમાં દરેક વિદ્યાર્થી લાઇબ્રેરી કરતાં વધારે સિનેમા હોલ અને રેસ્ટોરન્ટમાં દેખાવા લાગ્યા છે. રાત્રે ફેન્ડ્સ સાથે પાર્ટીઓ ચાલે છે, ભાત-ભાતની પાર્ટીઓમાં છોકરાઓની સાથે છોકરીઓ પણ સિગારેટ પીવા લાગે છે. ત્યારે બેટા, તારો મોટો ભાઈ બોલ્યો, પપ્પા બેન તો ભણવામાં ધ્યાન આપતી હશે ને? મેં કહ્યું, આપણે આખો દિવસ કાળી મજૂરી કરીને તેને ભણાવીએ છીએ. એ તારી બેનને સારી રીતે ખબર છે. માટે ન્યૂઝ ચેનલમાં જોયા પછી ઘણા મા-બાપ વિચારો કરવા લાગ્યા હશે પણ મને એક વિચાર ન આવ્યો, કેમ કે મને મારી લાડકી પર વિશ્વાસ છે.
ગઇકાલની જ વાત છે કે તારી મમ્મી મને કહેતી હતી કે આપણી શેરીમાં રહેતી છોકરી શહેરમાં ભણવા ગઈ હતી, તે પાછી પણ આવી. પરંતુ તેણે ભણવાને બદલે હરવા-ફરવામાં વધારે ધ્યાન આપ્યું હોવાથી જ્ઞાનનો અભાવ રહી ગયો. જેથી હવે તેને નોકરી મળતી નથી. એના લગ્નની વાત આવી રહી છે. તો શહેરમાં જે રીતે જીવન જીવતી હતી તેવો છોકરો તેને જોઈએ છે. પણ સામે એવી લાયકાત અને હેસિયત પણ જોઈએ, તેના વગર સારો છોકરો મળે નહીં. તેના મા-બાપને હવે ચિંતા થવા લાગી છે. તારી મમ્મીને પણ આ જોઈ કદાચ ચિંતા થતી હશે, પરંતુ મને કોઈ પ્રકારની ચિંતા નથી, કેમ કે મારી લાડકી દીકરી પર વિશ્વાસ છે.
આપણા ગામમાં શાકભાજી વાળા પેલા મનોજ કાકાને તો ઓળખતી જ હશે. તેની દીકરીને પેટે પાટા બાંધીને ભણાવી અને શહેર મોકલી. તેની દીકરીએ કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા મનોજને જાણ પણ ન કરી. આ તો જ્યારે છાપામાં બંનેના ફોટા જોયા ત્યારે ખબર પડી. મનોજ કાકા તો પાર વગરનું રડ્યા પણ હવે થાય શું? આ સાંભળી મને થોડી ક્ષણો માટે તારો ચહેરો યાદ આવી ગયો, પરંતુ તરત વિચાર મનમાંથી કાઢી નાખ્યો, કેમ કે મને મારી લાડકી દીકરી પર વિશ્વાસ છે.
લાડકવાયી દીકરી, તને આ કાગળ વાંચવામાં તકલીફ પડી હોય તો માફ કરજે. એક પિતા તરીકે હાથ જોડી તને વિનંતી કરું છું કે તને જે સ્વતંત્રતા આપી છે. તેનો દુરઉપયોગ ન કરતી. મારી અને આખા પરિવારની આબરૂ તારા હાથમાં છે. એટલું ધ્યાન રાખજે. હંમેશાં એક પિતા તરીકે તારી સાથે જ છું અને હંમેશાં સાથે જ રહીશ, પણ મારો વિશ્વાસ તૂટી ન જાય તેનું ધ્યાન રાખજે કેમ કે, તું જ મારી આખા જીવનની સૌથી મોટી મૂડી છો.
એવું કોઈ પગલું ભરતી નઈ. જેથી કોઈ મા-બાપ તેની દીકરીને શહેરમાં ભણવા માટે સો વાર વિચાર કરવો પડે. અથવા એવું કોઈ કામ ન કરતી કે ગામડાની કોઈ છોકરીને મા-બાપ ક્યારેય શહેર ભણવા માટે ન મોકલે. આ બધી છોકરીઓનું અને કુટુંબનું ભવિષ્ય તારા હાથમાં છે. તેઓની માટે તું એક મિસાલ બનજે આટલી વાત યાદ રાખજે મારી લાડકી દીકરી… લિ. તારા પિતાજી…
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.