શું આપણે જાણીએ છીએ કે અલગ-અલગ મસાલામાં ગુણો અને પોષક તત્વો અલગ હોય છે. તે માત્ર ભોજનનો સ્વાદ નથી વધારતા પણ તે સ્વાસ્થ્ય માટે પણ એટલાં જ ફાયદાકારક સાબિત થતા હોય છે. અત્યારની જીવનશૈલી પ્રમાણે લોકો શરીર ઓછું કરવા નવા નવા પ્રયોગ કરતા રહે છે. જેના કારણે ઓછું જમે છે, કઈ વસ્તુ ડાયેટમાં સામેલ કરવી અને ન કરવી તેની પૂરેપૂરી જાણ હોતી નથી. અંતે ગેસ, એસિડિટી, અપચો, સ્કીનની સમસ્યા, હેર ફોલ, ખીલ, પીરિયડનો દુખાવો, વધતું વજન જેવી તકલીફો ઊભી થાય છે.
ચાલો આજે જાણીએ તમારા રસોડામાં આ ત્રણ વસ્તુનો નિયમિત ઉપયોગ કરશો તો ક્યારેય ઉપર જણાવેલ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. અજમો, અળસી અને જીરું છે અનેક રીતે ફાયદાકારક. તેમજ જાણો આ 3 વસ્તુનું ચૂર્ણ કેવી રીતે બને તેમજ તેનું સેવન કેવી રીતે કરવાનું.
- અજમામાં રહેલા ગુણો-
અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આયુર્વેદમાં પણ અજમાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તેને એક ઔષધી માનવામાં આવે છે. જેનો ઉપયોગ શરદી, ઉધરસ, જેવી ઘણી બધી બીમારીઓ દૂર કરવા માટે થાય છે. ગુજરાતીઓના ઘરમાં અજમો ન હોય તેવું બની શકે નહીં. અજમો ખાવાથી સ્વાદ સારો આવે છે. સાથે તે કોઈ પણ વસ્તુને ખુશ્બુથી ભરી દે છે.
અજમામાં એન્ટીઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તેને ખાવાથી અપચો ઝડપથી મટી જાય છે. તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ સારા પ્રમાણમાં જોવા મળે છે. ઉપરાંત કાર્બોહાઈડ્રેટ, ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીન પણ તેમાં રહેલું હોવાથી તેના અનેક ઘણા ફાયદા જે શરીરને સ્વસ્થ રાખે છે.
- અળસીના ફાયદા-
જમ્યા પછી અમુક લોકોને મુખવાસ ખાવાની આદત હોય છે. તેમાં વરિયાળી, ધાણા દાળ, તલ, સવા, મીઠા આમળા વગેરે વસ્તુ મુખવાસ તરીકે લેતા હોય છે. પણ અળસીનું નામ આવે ત્યારે મોટાભાગે લોકો મોં બગાડતા હોય છે. કહે છે એ નથી ભાવતી. તેનો ટેસ્ટ નથી સારો. વગેરે જેવા બહાના બનાવતા હોય છે.
કેટલાક લોકોને અળસીના ગુણ વિશે જાણકારી નથી હોતી. તો ચાલો જાણીએ અળસીના અનેક અસરકારક ગુણ. અળસીનું રોજ સેવન કરવાથી તમને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. અળસીમાં ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં હોય છે. જે અનેક રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા એવી વસ્તુ છે જે આપણા શરીરમાં નથી બનતું તે પ્રકારનો ખોરાક લેવાથી જ મળે છે. જે માંસાહારી લોકો છે તેમને ઓમેગા-3 માછલીમાંથી મળી રહે છે. પરંતુ શાકાહારી માટે અળસીથી બીજો કોઈ સારો સ્ત્રોત નથી. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન-બી કોમ્પલેક્સ, આર્યન, મેગ્નેશિયમ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો તમને અળસીમાંથી મળી રહે છે.
અળસીનું તેલ પણ એટલું જ ગુણકારી હોય છે. કોઈ પણ જાતનો દુખાવો તેમજ બળતરામાં રાહત આપે છે. કારણ કે તેમાં વિટામિન-ઈ હોય છે. કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે અળસી ગરમ હોય, તેથી ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઈએ. તે તદ્દન ખોટી માન્યતા છે. અળસીને તમે કોઈપણ ઋતુમાં ખાઈ શકો છો. તે ગરમ નથી હોતી. શરૂઆતમાં કદાચ પાતળા ઝાડા થાય. થોડો સમય જતા બધું બરાબર થઈ જાય છે.
- જીરામાં રહેલા ગુણ-
રોજના દાળ-શાકના વઘારમાં આપણે જીરાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રસોઈમાં કોઈપણ વસ્તુ હોય તે જીરાના વઘાર વગર અઘૂરી લાગતી હોય છે. જીરાને રસોઈનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે. જીરું એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે. એ ઉપરાંત તેમાં વિટામિન-ઈ, વિટામિન-બી6, વિટામિન-એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આર્યન વગેરે સારા પ્રમાણમાં હોય છે. જો તમે દિવસની શરૂઆત જીરાના પાણીથી કરશો તો અનેક ફાયદા થશે.
- અજમો, અળસી અને જીરાને મિક્સ કરી બનાવો આ રીતે ચૂર્ણ-
અળસી, અજમો, અને જીરાનું ચૂર્ણ બનાવી તેનું રોજ સેવન કરવાથી ઘણા લાભ થાય છે. તેનાથી કોઈ આડઅસર થતી નથી. તમે આ ત્રણે વસ્તુ સરખા પ્રમાણમાં લઈ અલગ-અલગ શેકો. શેકાય ગયા બાદ તે ઠંડું પડે પછી મિક્સરમાં ઝીણું પીસી લો.
આયુર્વેદમાં પણ આ ચૂર્ણના ઘણા લાભ જણાવ્યા છે. જો કોઈને ગેસ, એસિડિટી, કબજિયાત, વજન વધતું હોય, પીરિયડમાં થતો દુખાવો વગેરે જેવા પ્રોબ્લેમ્સ હોય તો તમે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સેવન કરી શકો છો.
- ચૂર્ણનું સેવન કયારે કરવું?
આયુર્વેદમાં કહેવાય છે કે જીરાનું પાણી સવારે પીવાથી ઘણા ફાયદા થાય છે. તેવી રીતે આ ચૂર્ણ તમે સવારે થોડા હુંફાળા પાણીમાં ખાલી પેટે લઈ શકો છો. અથવા રાત્રે સૂતી વખતે પણ પાણીમાં મિક્સ કરી પી શકો છો.
- ચૂર્ણના સેવનથી થતા ફાયદા-
- પાચનતંત્ર-
જો તમે સવારે આ ચૂર્ણ પીવો છો તો તમને પેટને લગતી સમસ્યાથી છુટકારો મળશે. કેમ કે જીરું એસિડિટી, બ્લોટિંગ, અપચાની તકલીફ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ સાથે પાચનતંત્રમાં પણ સુધારો આવશે જીરા અને અજમાના સેવનથી. જીરામાં જે એન્ટિઓક્સિડેન્ટ રહેલું હોય છે તે પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
- ગેસ, અપચો, કબજિયાત-
બેઠાળું જીવનના કારણે મોટાભાગના લોકોને ગેસની તકલીફ થતી હોય છે. હાલના સમયમાં દિવસેને દિવસે આ સમસ્યા વધતી જોવા મળે છે. જો તમે રાત્રે સૂતી વખતે આ ચૂર્ણનું સેવન કરશો તો જરૂર ફાયદો થશે. કારણ કે આ ત્રણે વસ્તુમાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે. તમને પેશાબની તકલીફ હોય તેમાં પણ આ આશીર્વાદરૂપ સાબિત થશે. છૂટથી તમે મળ ત્યાગ કરી શકશો. અને તેના લીધે જે કોઈ શરીરમાં સમસ્યા ઊભી થઈ હશે તે દૂર થશે.
- શરદી, ખાંસી, તાવમાં રાહત-
નાના બાળકને શિયાળાની ઋતુમાં ઘણી વાર શરદી, ખાંસી થઈ જતા હાય છે. તો અજમાના પાનનો શકે અથવા તો અજમાની પોટલી બનાવીને સૂંઘાડતા હોય છે. જેથી તેની તાસીર ગરમ હોવાથી કફ દૂર કરવામાં મદદ કરે છે.
પણ જો મોટા લોકોને આ તકલીફ થતી હોય તો સવારે અથવા સાંજે આ ચૂર્ણ પીવે તો જરૂર લાભ થાય.
- વજન ઘટાડવા માટે-
અમુક લોકો વધતા વજનને લઈને પરેશાન હોય છે, તેને ઘટાડવાના ચક્કરમાં અનેક પ્રકાર ઉપાય કરતા હોય છે. એક્સરસાઈઝ, ડાયેટ, વોકિંગ કરીને કંટાળી ગયા હોવ તો ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. આ ચૂર્ણનું સેવન શરૂ કરી લો. પેટની ચરબી ઓગળવા લાગશે. આ ચૂર્ણ પાણી સાથે જમ્યાના 20-25 મિનિટ પહેલા પીવો. જેનાથી તમારું વજન થોડા દિવસમાં ઉતરવા લાગશે અને ફુલેલું પેટ પણ ઓછું થતું દેખાશે. આ ચૂર્ણમાં રહેલી ત્રણેય વસ્તુ વજન ઓછું કરવા ઘણી મદદરૂપ સાબિત થાય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોવ તો ચૂર્ણનું સેવન નિયમિત કરો.
- સોજો અને દુખાવો-
જો તમને પેઢામાં સોજો આવી ગયો છે તો નવસેકા પાણીમાં અજમાના તેલના 2 ટીપાં નાખીને કોગળા કરશો તો ફાયદો થશે. ચૂર્ણ અથવા અજમાનો પાઉડર બનાવી બ્રશ કરવાથી પણ ફાયદો થાય છે.
- કમરના દુખાવા માટે-
નોકરી માટે ઘણા લોકોને લોંગ ડ્રાઈવિંગ કરવું પડતું હોય છે. જેના કારણે બેક પેઈન, પીઠનો દુખાવો થાય છે. તેમના માટે અજમો ઘણો લાભકારી મનાય છે. અજમાના તેલની રોજ માલિશ કરવાથી દુખાવો થોડા સમયમાં ગાયબ થઈ જશે અને ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે. સાથે તમે એકલો અજમો પણ ખાઈ શકો છો જેના અનેક ફાયદા છે.
- ત્વચાને ચમકીલી બનાવે-
અજમામાં રક્ત શુદ્ધિકરણનો ગુણ રહેલો છે. તે અંદરથી લોહીને સાફ કરે છે અને ગંદકી દૂર કરે છે. આ ઉપરાંત પણ એન્ટિ સેપ્ટિકનો ગુણ તેમાં હોવાથી ત્વચાને લાગતા ચેપને દૂર કરે છે. સાથે શરીરમાં જે ગંદકી ભેગી થઈ છે તેને સરળતાથી આ ચૂર્ણ દ્વારા દૂર કરી શકાય છે. શરીરમાં જમા થયેલી ગંદકીની અસર ત્વચા પર જોવા મળતી હોય છે. કોઈની પ્રકૃત્તિ પિત્ત પ્રકારની હોય છે. તો આ ચૂર્ણના સેવનથી તે સમસ્યા દૂર થશે અને ત્વચા સુંદર બને છે.
આ ઉપરાંત પણ હૃદયને લગતી, કોલેસ્ટ્રોલ નિયંત્રણ, બ્લડ પ્રેશર કંટ્રોલ, ડાયાબિટીસને પણ કંટ્રોલમાં લાવી શકે છે. તમને પીરિયડના સમયે અતિશય દુખાવો થતો હોય તો આ ચૂર્ણનું સેવન તે સમયે કરવું જેનાથી તમને રાહત મળશે. જીરામાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જે દુખાવો દૂર કરે છે.
- અળસી, અજમો અને જીરાથી થતું નુકશાન- (ધ્યાન માં રાખવા જેવી બાબતો)
જો તમે હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો તો અળસીનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ. બને તો યોગ્ય ડૉક્ટર પાસે જઈ તેમની સલાહ મુજબ સેવન કરવું. અતિશય અળસીનું સેવન પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. જેને પાઈલ્સની સમસ્યા હોય તેના માટે ફાયદાકારક છે અળસી.
એ જ રીતે અજમાની તાસીર ગરમ હોવાથી ઘણી વાર તેનું વધારે પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જેટલા તેના ફાયદા છે તેટલા નુકસાન પણ છે જ. તેથી તમારે ચૂર્ણનું સેવન યોગ્ય માત્રામાં કરવું. આયુર્વેદમાં પણ તેના ઘણા ફાયદા જણાવ્યા છે. એટલે રોજ તમે થોડી માત્રામાં સેવન કરશો તો આડઅસર નહીં થાય.
આમાં જે કોઈ ઉપાય જણાવ્યા છે તે રીતે તમે ચૂર્ણનું સેવન કરવા માગો છો તો, આયુર્વેદ પ્રમાણે આ ચૂર્ણની માત્રા નક્કી કરી લો. જેથી આગળ જતાં તમને કોઈ બીજી તકલીફ ન થાય. કેમ કે વધારે પડતા ચૂર્ણના સેવનથી છાતી અને પેટમાં બળતરા થશે. ઘણાં લોકોને તેની એલર્જી પણ થઈ શકે છે.
અળસી, અજમો, જીરું અનેક બીમારીઓ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. આર્યુવેદમાં ઔષધ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. તેથી રોજિંદા જીવનમાં તમે આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરો અને શરીરને નીરોગી બનાવો.