નાના બાળકોને અત્યારના સમયમાં ઘણા એવા શાકભાજી હોય છે જે રોટલી જોડે ખાતા હોતા નથી. જમવા બેસે અને રોટલી શાકનું નામ પડે એટલે રડવા લાગે અથવા નથી ખાવું એવું કહેવા લાગતા હોય છે. ઘણી મમ્મીઓ તેમને પરાણે કેટલીક સબ્જી ખવડાવતી હોય છે. જે વેજીટેબ્લ્સ નથી ખાતા તેમાંથી તમે સરસ મજાના પરોઠા બનાવીને ખવડાવી શકો છો. તેના માટે વધારે સમય પણ નહીં બગડે અને ઝડપથી બની જશે. તમારા આ વેજીટેબલ પરોઠા.
સૌથી પહેલા જોઈશું તેના માટેની સામગ્રી- તેના માટે સૌથી પહેલા બધા જ વેજીટેબલ માર્કેટમાંથી લાવવાના રહેશે. 2 નંગ ગાજર લાલ અથવા અત્યારની સીઝનમાં જે ઓરેન્જ કલર જેવા મળે છે તે, 2 નંગ કાકડી, થોડું ફલાવર, અડધી કોબીજ, મોટી સાઇઝનું એક બીટ, કેપ્સીકમ, લીલા મરચાં, કોથમીર, લીંબુ, તલ, જીરું, મીઠું, હળદર, લાલ મરચું જરૂર પ્રમાણે, ગરમ મસાલો, લસણ-આદુની પેસ્ટ, એક ચમચી ખાંડ, તેલ વઘાર માટે અને લોટ બાંધવા માટે, થોડી રાઈ, ચીઝ, 2 નંગ બટાકા, ઘઉંનો લોટ 3 કપ જેટલો.
હવે આપણે જોઈશું બનાવવા માટેની રીત- સૌથી પહેલા 2 નંગ બટાકાને અધ કચરા બાફી નાખવા. પછી તે ઠંડા થાય એટલે છાલ કાઢી છીણી નાખવા. ત્યાર બાદ ગાજર, બીટ, કેપ્સીકમ, કાકડી, કોબીજ, ફ્લાવર, લીલા મરચાં આ બધી વસ્તુને એક છીણીમાં છીણી લેવી જો છીણીમાં ન છીણવી હોય તો તેને મરચાં કટરમાં ઝીણી ક્રશ કરી લેવી.
-આ બધી વસ્તુ તૈયાર થાય પછી એક વાસણમાં ઘઉંનો લોટ ચાળવો. તેમાં મીઠું, તેલ નાખી બરાબર મિક્સ કરવું. થોડું થોડું પાણી રેડી લોટ બાંધવો. ધ્યાન રહે કે લોટ ઢીલો ન થઈ જાય. -હવે લોટને પરોઠા જેવો બાંધવો, લોટ બંધાય જાય એટલે તેને ઢાંકી થોડી વાર સાઇડમાં મૂકી દો.
-એક કઢાઈમાં તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ તતડે એટલે હિંગ નાખો. પછી તેમાં લસણ-મરચાંની પેસ્ટ થોડી વાર સાંતળો. (જો તમને પસંદ હોય તો ડુંગળી પણ નાખી શકો છો.) તે સંતળાય જાય એટલે થોડા તલ નાખવા. વઘાર વખતે તમે મીઠો લીમડો પણ નાખી શકો છો. પછી તેમાં ક્રશ કરેલી બધી વસ્તુ નાખવી.
-પછી તેમાં ખાંડ જરૂર પ્રમાણે, મીઠું પ્રમાણ સર, લીંબુ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર નાખી બરાબર મિશ્રણને હલાવવું. -તેને થોડી વાર ગેસ પર શેકાવા દો. ધ્યાન રહે વધારે પડતું ન શેકાય જાય. તેને ઠંડું થવા મૂકો.
-હવે જો ઘઉંનો લોટ બાંધ્યો હોય તેને થોડી વાર માટે મસળો અને તેના લૂઆ કરી લો. સાઇડમાં કોરો લોટ લઈ વણવાનું શરૂ કરો. અને વેજીટેબલ્સ પરોઠામાં ભરીને તેને વણવાનું શરુ કરો. પરોઠા જેટલી થોડી જાડી રાખવી, જેથી સ્ટફિંગ બહાર ન આવી જાય. તેને બરાબર પેક કરો લો.
-એક પેન ગરમ થવા માટે મૂકો. તે ગરમ થાય એટલે વેજીટેબલ પરોઠાને શેકવા માટે મૂકો. એક બાજુ બરાબર શેકાય જાય એટલે બીજી બાજુ શેકી લો. તેની પર થોડું તેલ રેડી બંને બાજુ બરાબર શેકો.
-પરોઠું શેકાય જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી, તેને ચીઝ વડે ગાર્નિંશ કરો. – આ પરોઠાને તમે ગ્રીન ચટણી, લસણ-મરચાંની ચટણી, દહીં, રાયતું, સોસ સાથે ખાઈ શકો છો. એટલા ચીઝ સાથે પણ ખાઈ શકો છો. તમને ભાવશે.
- આ પરોઠા બીજી રીતે પણ બનાવી શકો છો.
પહેલા સ્ટફનો વઘાર કર્યો એ રીતે વઘારવાનું રહેશે. બાકી એક વાસણમાં ઘઉંનો લોટ ચાળવો માપ પ્રમાણે. તેમાં આ સ્ટફ ઠંડું થાય એટલે એડ કરીને થોડું તેલ નાખી લોટની જેમ બાંધી શકો છો. કણક વધારે ઢીલો કે કઠણ ન બાંધવો. હવે તેને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. પછી પરોઠા વણવાના શરૂ કરો. તેને એક પેનમાં શેકી લેવા અને પછી સર્વિંગ પ્લેટમાં લઈ તેની પર ચીઝ નાખી ગાર્નિંશ કરવું. તેને ઉપર જણાવ્યા મુજબ અલગ-અલગ ચટણી સાથે ખાઈ શકો છો.
આ રીતે તમારા બાળકો બધા જ વેજીટેબલ ખાતા થઈ જશે. લંચબોક્સમાં વીકમાં તમે આ પરોઠા બનાવીને આપી શકો છો.
તમને આ રેસીપી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good” જરૂર લખજો. આવી બીજી રેસીપી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.