કપડા પર દાગ લાગવાથી ખુબ જ દુઃખ થાય છે. તેમાં પણ જો આપણા કોઈ ફેવરીટ કપડા પર દાગ લાગી જાય તો ખુબ જ ગુસ્સો આવે છે. પરંતુ ગુસ્સો કરવાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો. કપડા પર ઘણા બધા પ્રકારના દાગ લાગી જતા હોય છે. ઘણા દાગ નીકળી જતા હોય છે તો ઘણા રહી જતા હોય છે. દરેક દાગને દુર કરવા માટે અલગ અલગ ઉપાય અપનાવવામાં આવે છે. આ ઉપાય દ્વારા તમે સરળતાથી દાગ દુર કરી શકો છો.
ચા કોફીના દાગ
કપડા પર ચાનો દાગ પડે છે ત્યારે દાગ તાજો હોય ત્યારે તેના પર ટેલ્કમ પાવડર લગાવી દેવામાં આવે તો દાગ કપડા પર પડતો નથી. આ ઉપરાંત તમે બટેટા બાફ્યા હોય તે પાણીમાં પલાળી રાખવા. ત્યાર બાદ કપડાને ધોઈ નાખવા તેનાથી કપડા પર લાગેલા ચા અથવા કોફીના દાગ દુર થઇ જશે.
હળદરના દાગ
કપડા પર હળદરના દાગ પડી ગયા હોય તો તેને દુર કરવા માટે આ ઉપાયો અપનાવવા જોઈએ. તેના માટે ચણાના લોટમાં પાણી નાખી તેનું બેટર બનાવી લેવું. ત્યાર બાદ દાગ પર તે બેટર લગાવી દેવું. થોડી વાર બાદ કપડા ધોઈ નાખવા. ત્યાર બાદ કપડાને તડકામાં સુકવી દેવા. આ રીતે હળદરનો દાગ દુર થઇ જશે. અને જો હળદરનો દાગ પડે ત્યારે જ તાત્કાલીક તેને સાબુથી ધોઈને સુકવી દેવામાં આવે તો દાગ કપડા પર રહેતો નથી.
સ્યાહીનો દાગ
બોલપેનની સ્યાહીના દાગ દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ છાશની મદદથી સ્યાહીના દાગને ખુબ સરળતાથી દુર કરી શકાય છે. તેના માટે કપડાને અડધી કલાક સુધી ખાટી છાશમાં પલાળી રાખવા. ત્યાર બાદ સામાન્ય જે રીતે ધોતા હોય તે રીતે કપડા ધોઈ નાખવા જોઈએ તેનાથી સ્યાહીના દાગ દુર થઇ જશે. આ ઉપરાંત કપડા પર સ્યાહીના દાગ પડે ત્યારે દાગ લાગ્યો હોય તે જગ્યાએ બંને તરફ ટુથ પેસ્ટ લગાવવી. થોડી વાર પછી કપડાને ધોઈ નાખવા.
લોહીનો દાગ
કપડા પર લોહીના દાગ અથવા તો પીરીયડસ દરમિયાન દાગ પડે છે તેને દુર કરવા સૌથી મુશ્કેલ હોય છે. કારણ કે તે પ્રકારના દાગમાં કાર્બેનીક પ્રોટીન રહેલું હોય છે. તો આ દાગને સરળતાથી દુર કરવા હોય તો તેના માટે દાગ પર મીઠું લગાવીને ઘસવું ત્યાર બાદ કપડાને ધોઈ નાખવા તેનાથી સરળતાથી દાગ દુર થઇ જશે.
કાટનો દાગ
કપડા પર કાટનો દાગ લાગી જાય ત્યારે આ ઉપાય દ્વારા સરળતાથી દાગ દુર કરી શકાય છે. કાટના દાગને દુર કરવા માટે લીંબુના રસને રૂની મદદથી દાગ પર લગાવવો. ત્યાર બાદ તેને 15 થી 20 મિનીટ સુધી તડકામાં સૂકવી દેવા. ત્યાર બાદ કપડાને ચોખા પાણીથી ધોઈ અને ત્યાર બાદ સાબુની મદદથી ધોઈ નાખવા તેનાથી કપડા પર લાગેલા કાટના દાગ દુર થઇ જશે. આ ઉપરાંત કાટના દાગ પર દહીં અથવા લીંબુ લગાવ્યા બાદ તેને થોડી વાર લગાવી રાખવું ત્યાર બાદ ગરમ પાણીથી કપડાને મસળવાથી કાટનો દાગ દુર થઇ જાય છે.
તેલના દાગ
તેલ અથવા કોઈ ચીંકણા પદાર્થનો દાગ લાગી જાય છે તો વાસણ ધોવાનો પાવડર દાગ પર લગાવીને રગડવું. ત્યાર બાદ ગરમ પાણીથી કપડા ધોવાથી દાગ દુર થઇ જાય છે. આ પ્રક્રિયા બે વખત કરવાથી દાગ સરળતાથી દુર થઇ જશે.
પરસેવાનાં દાગ
ઘણા લોકોને ખુબ જ પરસેવો વળતો હોય છે. પરસેવાના કારણે પરસેવાના દાગ કપડા પર લાગી જતા હોય છે જે દાગ કપડા પરથી દુર કરવામાં મુશ્કેલી આવતી હોય છે તો તેને દુર કરવા માટે પાણીને હલ્કું ગરમ કરવું ત્યાર બાદ તેમાં એક ઢાંકણું સફેદ વિનેગર મિક્સ કરવું અને તેમાં કપડાને થોડી વાર માટે પલાળવા મૂકી દેવા. તેનાથી પરસેવાના દાગ દુર થઇ જશે.