બોલવામાં સહેલું લાગે કે રોટલી બનાવી છે. પણ જ્યારે બનાવવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે રોટલી માત્ર બોલવાથી નથી બનતી તેનો લોટ સરખો બાંધવો પડતો હોય છે. જો તમે લોટ બાંધવામાં જ ભૂલ કરો છો તો તમારી રોટલી ક્યારેય ફૂલશે નહીં. તે ચવટ અને ઘણી વાર ખાખરા જેવી બની જશે. એવી રોટલી ઘરના વ્યક્તિઓને પણ નથી ભાવતી હોતી, તેમાંથી કંકાસ થતો હોય છે કારણ કે નરમ, ફૂલતી નથી માટે.
તો આવો આજે તમને જણાવીએ કે રોટલીનો લોટ બાંધતી વખતે શું ધ્યાન રાખવું જેથી પછી એ રોટલી બનાવશો તો ઘરે આવેલા મહેમાન પણ તમારા વખાણ કરતાં થાકશે નહીં. તે માટે ટિપ્સ નીચે મુજબ અપનાવો.
- રોટલીના લોટમાં તેલ સરખા પ્રમાણમાં ઉમેરો –
ઘણાં લોકો રોટલીના લોટમાં મોણ એટલે કે તેલ રેડતા હોતા નથી. ખાલી પાણી અને કોઈ વાર મીઠું નાખી બાંધી દેતા હોય છે. કોઈ કહે તો પણ કહે અમે તો આમ જ બાંધીએ છીએ. એવું સાંભળવા મળતું હોય છે.
પણ તેમને ખબર નથી હોતી કે આજ કારણે તેમની રોટલી સોફ્ટ અને ફૂલતી હોતી નથી. કારણ કે તેલ રેડતા હોતા નથી. અને નાખે તો એક ચમચી અથવા તેનાથી બે ચમચી નાખે. પરંતુ રોટલીનો લોટ બાંધતી વખતે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે, જેમ કે 2 વાડકી લોટ છે તો તેમાં 1 ચમચી (મોટી હોય તો) અથવા તેનાથી વધુ તેલ રેડવું જેથી તમારો લોટ નરમ બંધાશે અને રોટલી દડા જેવી ફૂલશે પણ ખરી. નરમ લોટ હોવાનો ફાયદો એ પણ છે કે રોટલી ફટાફટ વણાઈ જશે. અટામણનો લોટ પણ વધારે લેવાની જરૂર નહીં પડે.
તેથી સૂકા લોટમાં તેલ નાખી સરખી રીતે મિક્સ કરી લો. અને થોડું થોડું પાણી નાખી લોટ બાંધો. લોટ બંધાઈ જાય પછી તેને ઉપરથી થોડું તેલ નાખી સરખી રીતે મસળીને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો. આ રીતે લોટ પણ નરમ થશે અને રોટલી કર્યા પહેલા બાંધ્યો હશે તો સારી રીતે મિક્સ થઈ જશે. જે રીતે તમે રોટલીનો લોટ બાંધો છો તેવી રીતે પરોઠાનો લોટ પણ બાંધશો તો પરોઠા ક્રિસ્પી અને સોફ્ટ બનશે.
- લોટમાં દૂધનો ઉપયોગ કરો-
ઘણી વાર રોટલી વધારે સારી બનાવી હોય તો તમે પાણીની જગ્યા પર દૂધ રેડી શકો છો. તેનાથી રોટલીનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે જેથી તમને જમવાની પણ મજા આવશે.
લોટમાં દૂધ એડ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે તમે લોટ બાંધો ત્યારે તેના પ્રમાણમાં દૂધ બીજા વાસણમાં કાઢી લેવું અને જેમ જેમ લોટ બાંધો તેમાં દૂધ રેડો. આમ કરવાથી લોટ વધારે ઢીલો પણ નહીં થાય અને નરમ બની રહેશે. જેથી રોટલી સોફ્ટ બનશે.
તમે ઘરે ઘી બનાવતા હોય તો ઘી બની ગયા બાદ જે બઘરું નીકળતું હોય છે તેમાં પાણી નાખી ફરીથી ગરમ કરવું. ગરમ કરેલા પાણીને ગાળીને ઠંડુ થાય એટલે તેનાથી રોટલી, ભાખરી કે પરોઠાનો લોટ બાંધી શકો છો. તે લોટ એકદમ સોફ્ટ બનશે. દૂધની જેમ તે લોટની રોટલી, પરોઠા કે ભાખરી ખાવાની તમને બહુ મજા આવશે.
- મીઠું નાખવું કે નહીં તે જાણો
દરેકના ઘરની રીત અલગ-અલગ હોય છે. તે દરેક માને છે. પરંતુ કોઈના ઘરે રાંધવાની રીત અલગ હોય તો આવનારા મહેમાનને જમવાનું ભાવતું હોતું નથી. કેમ કે તેના ટેસ્ટમાં ફરક પડી જતો હોય છે.
કોઈના ઘરે રોટલી કે પૂરીના લોટમાં મીઠું નાખતા હોતા નથી. જેના કારણે તમને રોટલી ફ્કિકી લાગશે. એટલું જ નહીં કોઈ વાર લોટમાં મીઠું ઓછું પડી ગયું હોય તો પણ આપણને પોતાને રોટલી સ્વાદિષ્ટ લાગતી હોતી નથી. મનમાં થયા કરતું હોય છે કે કંઈક અલગ લાગે છે.
એટલે જ લોટની માત્રા જોઈને માપસર મીઠું લોટમાં અવશ્ય નાખવું. જેનો ટેસ્ટ તમને પોતાને પણ ભાવશે. લોટ બાંધતી વખતે કોરા લોટમાં જેટલા પ્રમાણમાં મીઠાની જરૂર હોય તે રીતે એડ કરવું. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતું મીઠું પણ તમારા શરીર માટે હાનિકારક છે. તેથી જરૂર હોય તેટલું લોટમાં મીઠું નાખવું જોઈએ. અને પાણી રેડી સરખી રીતે મિક્સ કરી લોટ બાંધો. આ લોટની ગરમ ગરમ રોટલી તમને અવશ્ય ભાવશે.
- લોટ બાંધવામાં ગરમ પાણી વાપરો-
જનરલી લોકો ઠંડા પાણીથી લોટ બાંધતા હોય છે. તો પણ તેમની રોટલી નરમ બનતી હોય છે, પરંતુ તમારી રોટલી સોફ્ટ કે ફૂલતી નથી તો આ ટિપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. કણક બાંધતી વખતે થોડું પાણી ગરમ કરી લેવું. ઉકળે આવું પાણી ન રેડવું થોડા હુંફાળા પાણીથી લોટ બાંધવો.
લોટ બાંધતી વખતે જરૂર હોય તે રીતે થોડું થોડું પાણી રેડતા જવું અને લોટ બાંધવો. જેથી કણક કડક પણ ન રહે અને ઢીલો થઈ જવાની ચિંતા પણ નહીં. ગરમ પાણીથી બાંધેલા લોટની રોટલી નરમ થશે અને ફૂલશે.
- લોટ બાંધ્યા પછી તરત રોટલી ન કરવી-
નોકરી કરતી વુમન સવારે ઉઠીને પહેલા રસોઈ કરતી હોય છે. કારણ કે તેની સાથે સાથે ઘરમાં જે પણ વ્યક્તિ રહેતા હોય તેનું ટિફિન બનાવવાની જવાબદારી હોય છે. માટે ફટાફટ લોટ બાંધીને શાક વઘારી રોટલી કરવા લાગે છે. પરંતુ આ રીત એકદમ ખોટી છે કારણ કે લોટ બાંધીને તમે તરત રોટલી કરશો તો એ રોટલી જોઈએ એવી નરમ અને ફૂલશે નહીં.
સામાન્ય રીતે લોટ બાંધ્યાના 10 કે 15 મિનિટ પછી જ રોટલી કરવાની શરૂઆત કરવી. જેથી રોટલી નરમ બને. માટે સવારે ગમે તેટલી ઉતાવળ હોય પહેલા લોટ શાંતિથી બાંધી લેવો અને તેના થોડા સમય બાદ જ રોટલી કરવી. આ રોટલી તમે ગમે તેટલા વાગે જમશો સોફ્ટ રહેશે.
- લોટને સ્ટોર કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન-
અત્યારના સમયમાં લોકો લોટને સ્ટોર કરતા થઈ ગયા છે. સવારે વધારે લોટ બાંધે જેથી કરીને બપોરના સમયે અથવા કોઈનું ટિફિન કરવાનું હોય તો ફટાફટ બની જાય. રેફ્રિજરેટરમાં જ્યારે પણ તમે લોટને મૂકો ત્યારે સીધો ડબ્બામાં ન ભરો. આ રીતે મૂકવાથી ઉપરનો લોટ કાળો પડવા લાગશે અને રોટલી સ્વાદમાં સારી નહીં લાગે. બીજું કે આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક સાબિત થાય છે.
જેથી તાજા લોટની રોટલી ખાવાનો આગ્રહ રાખવો. લોટને ફ્રિજમાં મૂકતી વખતે તેની ઉપર ઘી કે તેલ લગાવવું. જેથી ખરાબ થવાની શક્યતા ઓછી રહે છે. બને ત્યાં સુધી લોટને એલ્યુમિનિયમ વરખમાં લપેટીને એરટાઈટ ડબ્બામાં રાખવો. આમ કરવાથી કણક લાંબા સમય સુધી તાજો રહેશે.
- રોટલી બનાવતી વખતે આ વસ્તુ પણ યાદ રાખો
-લોટના નરમ હાથે ગોળ રોલ કરો. લોટના લૂઆ સરખા ગોળ થાય તે મહત્ત્વનું છે. પહેલા રોટલીની શરૂઆત કિનારીથી કરવી પછી ધીમેધીમે મોટી થશે. રોટલી વણતી વખતે કોરા લોટનો બને તો ઓછો ઉપયોગ કરવો.
-રોટલી તવી પર શેકવા માટે મૂકો તે પહેલા તવી બરાબર ગરમ થઈ છે કે નહીં તે જોઈ લેવું. ગેસની ફ્લેમ વધારે પણ ન રાખવી. ફ્લેમ વધારે હશે તો રોટલી બળી જશે. રોટલીમાં ઉપરની બાજુ પરપોટા દેખાય કે તરત રોટલી ફેરવો. માત્ર એક જ વાર ફેરવો વારંવાર રોટલી ફેરવશો નહીં.
-રોટલી બરાબર શેકાય તેના માટે ગેસની ફ્લેમને વ્યવસ્થિત રાખવી જેથી રોટલી બળી ન જાય. આ રીતે બનાવશો તો તમારી રોટલી નરમ અને ફૂલીને દડા જેવી થશે. જે ગરમા-ગરમ ખાવાની તમને પણ ભાવશે.
- રોટલી શરીર માટે કેટલી લાભદાયી-
રોટલીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, તેમાં કેલરી પણ ઓછી હોય છે. જો તમે ઘઉંના લોટમાં જવનો લોટ, સોયાબીનનો લોટ એડ કરશો તો શરીરમાં પ્રોટીનની માત્રા હશે તેની ઉણપ જોવા નહીં મળે, આ સાથે પોષક તત્વો, સોડિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે.
આપણે બીમાર પડીએ ત્યારે બે કે ત્રણ દિવસ રોટલી નથી ખાતા તો પેટ ખાલી ખાલી લાગવા લાગે છે. ઘણા દિવસોથી કંઈ જમ્યા નથી એવું લાગતું હોય છે. ઉપવાસમાં પણ એવું જ થતું હોય છે. બીજા દિવસે રોટલી ખાઈએ ત્યારે સંતોષ થતો હોય છે. આ રીતે રોટલી ખાવાના ઘણા ફાયદા છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.