આજકાલ માથાનો દુખાવો બહુ સામાન્ય થતો જાય છે. ખાસ કરીને ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકો અને જે લોકોને નોકરી અને ધંધાની ચિંતા રહેતી હોય તેઓ માથાના દુખાવાની અવારનવાર ફરીયાદ કરતા હોય છે. આ ઉપરાંત મહિલાઓ અને બાળકોમાં પણ માથાના દુખાવાની ફરિયાદ જોવા મળે છે.
આપણે મોટેભાગે માથાના દુખાવાને ગંભીરતાથી લેતા નથી હોતા, પરંતુ અમુક સંજોગોમાં માથાનો દુખાવો અમુક આવનારી ગંભીર બિમારીનું સિગ્નલ હોઈ શકે છે. માટે જો તમે અવારનવાર માથાના દુખાવાથી પીડાવ છો તો તમારે તેને અવગણના ન કરવી જોઈએ. સમય રહેતા જો સંકટને પારખી લઈને તેનો ઉકેલ લાવી દઈએ તો ભવિષ્યમાં આવનારી મોટી મુસીબતોમાંથી આપણે બચી શકીએ છીએ.
ઘણા લોકોને માથાનો દુખાવો પણ અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ પ્રકારનો હોય છે. એટલે કે માથામાં અલગ અલગ જગ્યાએ દુખાવો થતો હોય છે. જાણો કેટલી પ્રકારના દુખાવા છે અને આ દુખાવા કઈ કઈ બીમારીઓનો સંકેત કરે છે. તે નીચે મુજબ જાણો.
- બંને બાજુનો દુખાવો હોય તો,
અમુક લોકો કોઈ વાર બહાર ફરીને આવે કે તરત બૂમો પાડવા લાગે છે કે માથું દુખે છે તેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. માથામાં બન્ને બાજુ દુખતું હોય તો મોટેભાગે તે ચિંતાને કારણે હોઈ શકે છે. ઘણી વાર ઘરમાં નાની મોટી બાબતે ઝઘડા થતા હોય અને તેનું ટેન્શન આખો દિવસ મગજમાં રહે તો પણ માથું દુખવાનું શરૂ થઈ જતું હોય છે.
કોઈપણ પ્રકારની સમસ્યા જીવનમાં હોય અને તેની સતત ચિંતા રહેતી હોય ત્યારે આ પ્રકારનો દુખાવો સામાન્ય રીતે જોવા મળતો હોય છે. તેમાં માથુ સતત ભારે રહે છે. કેટલાક કિસ્સામાં માથાની પાછળના ભાગમાં પણ પીડા થતી હોય છે.
- એકબાજુ દુખાવો રહે તો, શું કરવું જોઈએ
ઘણા માણસો એવા પણ હોય છે જે થોડી વાર માટે પણ ઘરની બહાર નીકળે તો પણ ગમે તે એક બાજુ માથું દુખવા લાગતું હોય છે. ગમે ત્યાં જાય તેને બીક રહેતી હોય છે કે મને માથુ દુખશે તો ગમશે નહીં ઘરે આવી દવા લેવી પડશે, એમ અલગ-અલગ પ્રકારના વિચારો આવતા હોય છે.
તેવા લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોઈ શકે છે. આ દુખાવો માથામાં ડાબી કે જમણી કોઈપણ એક બાજુ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિને અમુક ચોક્કસ સમયે દુખાવો થતો હોય છે અને પછી તેની રીતે ઠીક પણ થઈ જતો હોય છે. દાખલા તરીકે કોઈને સાંજના અમુક સમયે આ દુખાવો થાય અને પછી સમય જતા દુખાવો જતો પણ રહેતો હોય છે.
પરંતુ આ દુખાવો જો રોજનો હોય તો માણસ કંટાળી જાય છે. જ્યારે દુખાવો શરૂ થયો હોય ત્યારે વ્યક્તિએ ધ્યાન ન આપ્યું હોય પછી આગળ જતાં સ્ટોપેક, મેટાસીન કે કોઈપણ માથાના દુખાવાની દવા પોતાની રીતે લઈને દુખાવો દૂર કરવાનો પ્રયાસ કરતા કરતા હોય છે. પરંતુ પોતાની જાતે દવા ન લેવી ડૉક્ટર પાસે જવું એથવા આયુર્વેદિક ઉપચારો કરી તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
- આંખની બાજુના ભાગમાં દુખાવો રહે તો,
અમુક સમયે ઓફિસનું વધારે પડતું કામ, બીજા કોઈ વધારાના બીજા પણ ટેન્શન રહ્યા કરે તો પણ આંખની બંને બાજુ દુખવાની સમસ્યા રહ્યા કરે છે. જો આંખ પાસે અતિશય પીડા થતી હોય તો ક્લસ્ટર હોઈ શકે છે. જેમાં માથાનો દુખાવો, નાક જામી જવું, આંખમાંથી વારંવાર પાણી આવ્યા કરતું હોય જેવા લક્ષણો જોવા મળે છે.
- આંખની ઉપર તેમજ નીચે દુખાવો થાય તો,
જો તમને અવારનવાર આંખની ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં દુખાવો થતો હોય તો તેને અવગણશો નહીં. કેમ કે તે ગંભીર બીમારીનું કારણ પણ હોઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે ખોરાક, પાણી અને પ્રદૂષિત હવાના કારણે માણસોને અનેક રોગો થવા લાગ્યા છે. જેના કારણે કોઈ ગંભીર અને લાંબી બીમારીનો શિકાર ન બનો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઘણી વખત આ દુખાવમાં તાવ પણ આવતો હોય છે. આ પ્રકારના દુખાવાને સાયનસ તરીકે ઓળખવામાં આવે છે. માટે જો દુખાવો રહેતો હોય તો સાયનસની સારવાર લેવી જોઈએ. જોકે ડોક્ટર પાસે નિદાન કરાવ્યા બાદ જ તેની સારવારનો નિર્ણય લેવો જોઈએ. આ સિવાય માથાના દુખાવામાંથી રાહત માટે આટલું કરી શકાય પણ અગેઈન ડોક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ.
આજકાલ તીવ્ર તાપ અને ગરમી છે પરિણામે શરીરમાંથી પાણી પરસેવા વાટે નીકળી જતું હોય છે, માટે ડિહાઈડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીતા રહેવું. જો ઓછું પાણી પીવાની ટેવ હોય તો પણ તે ટેવ ઉનાળામાં સુધારવાનો પ્રયત્ન કરો.
આ સિવાય હુંફાળા પાણીમાં એક ચમચી સફરજનની છાલ નાખીને તે પાણી પીવું. શિયાળા દરમિયાન ઉકાળામાં તજ, તુલસીના પાન નાખી શકાય, પરંતુ ઉનાળામાં તેનાથી દૂર રહેવું. હા ખાંડની જગ્યાએ ચામાં ગોળ કે મધનો ઉપયોગ ચોક્કસ કરી શકાય તેમાં કોઈ ઋતુબાધ નથી. લવિંગના તેલથી માલિશ કરી શકો છો.
એ ઉપરાંત માથાના દુખાવામાં આંખો ભારે થઈ જતી હોય છે. તો આઈબ્રોની તેમજ આંખની નીચેના ભાગને હળવાશથી દાબવું તેમજ મસાજ કરતા હોય તેમ હળવો હાથ ફેરવવો. જેથી આંખનો થાક ઉતરશે અને દુખાવામાં પણ રાહત મળશે. આમ કરવાથી આંખની આજુબાજુના હાડકાની પણ મસાજ થઈ જશે. જો કોમ્પ્યુટર પર વર્ક કરતા હોવ તો જરૂર ફાયદો થશે.
ઘરગથ્થુ ઉપચારમાં જો તમને માઈગ્રેનની તકલીફ હોય તો ઉનાળાની સીઝનમાં દ્રાક્ષનો રસ પી શકો છો. જે તમને માઈગ્રેનમાં રાહત આપશે. તે સિવાય પણ લસણ વાટીને કપાળ પર લગાવવું જેથી માઈગ્રેનનો દુખાવો હશે તો જરૂર રાહત મળશે.
અહીં ઉપર દર્શાવેલમાંથી કોઈપણ પ્રકારનો દુખાવો હોય તો ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે પરંતુ તે પહેલા યોગ્ય તબીબનું માર્ગદર્શન લેવું. કેમ કે ઘણી વખત આપણને નાનો દુખાવો લાગતો હોય પણ તે મોટી સમસ્યા પણ હોય શકે છે.
એ સિવાય પણ આજકાલ માથાનો દુખાવો વધવાનું કારણ આપણી બદલાતી જીવનશૈલી છે. તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે વ્યાયામ, યોગ, મેડિટેશન, સ્ટ્રેચિંગ વગેરે ઘરે પ્રયોગ કરીને હંમેશ માટે માથાનો દુખાવો દૂર કરી શકો છો.