આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં અનેક પ્રકારના દોષ હોય છે આવા દોષોમાં વાત્ત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે, જેને સ્વસ્થ રાખવા માટે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. તમે જે ખાવ છો અને જેવા પ્રકારનું ખાવ છો તેની તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર થાય છે.
શરીરમાં વાત્ત, પિત્ત અને કફનું સંતુલન હોય તો તમારું શરીર સ્વસ્થ બની રહે છે. પરંતુ આ ત્રણેય વસ્તુ અસંતુલિત હોય તો તમને કોઈને કોઈ પ્રકારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે શરીરમાં પિત્તનો વધારો થવાથી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. આયુર્વેદ અનુસાર જોઈએ તો વાત્ત, પિત્ત અને કફને ત્રિદોષ કહેવામાં આવે છે. તેના પણ અલગ અલગ રોગ હોય છે. કફના 28 રોગ, પિત્તના 40 રોગ અને વાત્ત દોષના 80 પ્રકારના રોગ હોય છે.
જેમાં કફની સમસ્યા જોઈએ તો આપણને છાતીના ઉપરના ભાગમાં થાય છે. તેવી રીતે પિત્તની સમસ્યા છાતીની નીચે અને કમરમાં થાય છે. એ સિવાય વાત્તની સમસ્યા કમરના નીચેના ભાગમાં અને હાથમાં થાય છે. આ ત્રણ દોષને નિયંત્રણમાં રાખવા માટે તમારે કયા કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. તેના માટે તમારા ડાયેટમાં કેટલાક સુધારા લાવવાની પણ જરૂર છે. તો ચાલો એક નજર કરીએ આ લેખ પર.
- કફને સંતુલિત રાખવા માટે શું શું કરવું જોઈએ, તે નીચે મુજબ જાણો.
જે લોકોને કફની પ્રકૃત્તિ હોય છે તેમણે ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં વાતાવરણની ઠંડક, અને ઠંડી હવાનો સામનો થવાની સાથે કેટલાક વ્યક્તિઓને કફદોષના અસંતુલનથી નાની મોટી બીમારીઓ થવા લાગતી હોય છે.
નાકમાં ઠંડી હવા જવાના કારણે નાક અચાનક નીતરવા લાગી જતું હોય છે. છિંકો આવવા લાગતી હોય છે. માથું ભારે લાગે, ગળામાં કફ આવે, ખાંસી થોડી થોડી વારે આવવા લાગે છે. આ બધી તકલીફ જેને કફદોષ હોય તેને રહેતી હોય છે. કફ પ્રકૃત્તિ ધરાવતા લોકો ઠંડી વસ્તુનું સેવન કરે તો તેના સંતુલનમાં ફેરફાર થતો હોય છે.
કહેવાય છે કે પૃથ્વી અને જળના લીધે શરીરમાં કફ ઉત્પન્ન થતો હોય છે. તેમણે ઘણી એવી વસ્તુ હોય છે જે ખાવાથી બચવું જોઈએ. કફની પ્રકૃતિ જેને રહેતી હોય તેમણે ગરમ ઉપચાર કરવા જોઈએ. આવા લોકોને મોટા ભાગે હાઈપર એસિડિટી, ગેસ્ટ્રીક અલ્સર, ગેસ્ટ્રાઇટીસ જેવા રોગથી પીડાય છે. તેમણે તે સમયે આદુનો રસ, ગંઠોડા, મરી જેવા પદાર્થોના અતિરેકથી બચવું જોઈએ.
ચોકલેટ, ઠંડા પીણા, કોલ્ડ્રીંક્સ, આઇસ્ક્રીમ, માવાની ચીક્કી, મીઠાઈ વગેરે જેવી વસ્તુ ખાવી જોઈએ નહીં. એ ઉપરાંત જો તમે દૂધ પણ ખાંડ વાળું પીતા હોવ તો તેને બદલે દૂધમાં સાકર અને થોડી હળદર નાખી નવસેકું ગરમ કરવું અને પછી જ પીવું.
તેમાં પણ પિત્ત અને કફના વિરોધી ગુણોને ધ્યાનમાં રાખીને શાકભાજી તેમજ ફળોનું સેવન કરવું જોઈએ. ગરમીની સીઝનમાં કફની પ્રકૃત્તિ ધરાવતા લોકોને આરામ મળતો હોય છે. કારણ કે જેટલી ઠંડક થાય તેટલી તેમની તકલીફમાં વધારો થતો હોય છે. આ પ્રકૃત્તિ વાળાએ બને તો તાજા ફળો લેવા જેમ કે જાંબુ, કેરી, તળબૂચ, દાડમ, ચેરી વગેરે. એ ઉપરાંત તમે ગાજર, દૂધી, પાલક, સરગવો જેવા શાકભાજીનો સૂપ પણ બનાવીને પી શકો છો. જો તમે રોજના ખોરાકમાં દાળનો સમાવેશ કરશો તો કફની તકલીફ ઘણી ઓછી થઈ જશે. આમ કફની પ્રકૃત્તિ ધરાવતા લોકોએ શિયાળા કરતાં ઉનાળામાં વધારે ખોરાક લેવામાં ધ્યાન રાખવાનું હોય છે.
- પિત્તને સંતુલિત રાખવા માટે શું શું કરવું જોઈએ, તે નીચે મુજબ જાણો.
જો કોઈપણ વ્યક્તિના શરીરમાં વાત કફ અને પિત્તનું યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તો તે વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે. પરંતુ જો આ ત્રણેયમાંથી એક પણ વસ્તુનું સંતુલન બગડે તો તેમની તબિયતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મુશ્કેલી આવી શકે છે. આયુર્વેદમાં પણ આ સમસ્યાના નિરાકરણ માટે ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
પિત્ત દોષ વાળા લોકોને જમ્યા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થવા લાગે. અમુક સમયે ત્વચા પર બળતર, ખંજવાળ અને ઝીણા ઝીણા દાણા જેવું નીકળવા લાગતું હોય છે. તો સમજી જવું કે પિત્ત દોષનું અસંતુલન શરીરમાં થઈ રહ્યું છે. જેના કારણે શરીરમાં ગરમી વધવા લાગે છે. તો તેમણે ગરમ વસ્તુ અને ગરમ જગ્યા એ જવાથી બચવું જોઈએ.
પિત્ત દોષ ભારે ખોરાક, બેઠાળું જીવન, ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોના કારણે થતો હોય છે. તેમને ઘણી વાર કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું, વધારે પડતું ચટાકેદાર, મસાલા વાળું, ફાસ્ટફૂડના કારણે પણ અપચો થાય છે અને અંતે પિત્ત થવા લાગે છે. એ સિવાય પણ બને તો તેમણે સીતાફળ, કાકડી, મગ, ટેટી, તળબૂચ, લીલી દ્રાક્ષ વગેરેના જયૂસનું સેવન કરવું જોઈએ.
જે લોકોને પિત્ત વારંવાર થઈ જતું હોય તેમણે તળેલું કે બહારના ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ. તે વ્યક્તિ નિયમિત ગાયના ઘીનું સેવન કરે તો વધારે સારું કારણ કે ગાયના ઘીને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આયુર્વેદમાં આમળાને સર્વોત્તમ માનવામાં આવ્યા છે. આમળાના શરબતનું સેવન બને તેટલું વધારે કરવું જોઈએ. જેનાથી તમારું પેટ જલદી સાફ થઈ જશે. કબજિયાત કે પિત્તની તકલીફ રહેશે નહીં. તમે વાટેલું જીરું અને સાકર મિશ્ર કરીને પણ શરબત બનાવી શકો છો. જેનાથી એસિડિટીમાં રાહત મળશે.
પિત્ત વાળા લોકોએ ઠંડી વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ. વરિયાળીની તાસીર એકદમ ઠંડી હોય છે. તે પિત્ત જેવા રોગ માટે રાહત આપે છે. તે સિવાય પણ હાથ-પગ કે છાતીમાં જો બળતરા થતી હોય તો વરિયાળી રાહત આપે છે. કેમ કે વરિયાળીમાં એન્ટી-ઓક્સીડેન્ટના ગુણ રહેલા હોય છે. જે શરીરમાં કબજિયાતને દૂર કરે છે. અને પાચનતંત્ર મજબૂત બનાવે છે. ખાલી વધુ પડતી વરિયાળીને સેવન ના કરતાં રહેવું.
વાત્ત સંતુલિત રાખવા માટે શું શું કરવું જોઈએ, તે નીચે મુજબ જાણો.
આ પ્રકૃત્તિ ધરાવતા લોકોને કંપવાત, કમરનો દુખાવો, લકવો, સાંધાનો દુખાવો, અથવા જકડાઈ જવા, પેટમાં આફરો ચડવો, અનિદ્રા, વારંવાર ઓડકાર આવવા જેવું થવા લાગતું હોય છે. વાત્ત પ્રકૃત્તિ વાળા લોકોએ ખાસ કરીને મૂળ વાળા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ.
જેથી તેમના શરીરમાં વાત્તનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. એ ઉપરાંત પણ જો જમ્યા પછી ફરીથી નાસ્તો કરવો, ઉજાગરા કરવો, વાદળા થવા, ચિંતા, ભય અને શોકથી અથવા તીખા, કડવા, તુરા પદાર્થોનું વધારે સેવન કરવાથી પણ વાયુ એટલે કે પિત્ત થાય છે.
આવા વ્યક્તિએ ખાસ કરીને કાચી શાકભાજી ખાવાથી બચવું જોઈએ. બને ત્યાં સુધી ઘરનું તાજું રાંધેલું ખાવું જોઈએ. ઠંડો કે પડી રહેલો ખોરાક ક્યારેય ન લેવો જોઈએ. તેનાથી પણ વાત્તની તકલીફ થવા લાગતી હોય છે. જો આ તકલીફ વધે તો સાંધામાં દુખાવા પણ વધી જતા હોય છે અને તેમણે તલના તેલની માલીશ કરવી જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.